(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ૮
ધોળકા નગરપાલિકા દ્વારા કુંભારઢાળના નાકે, ગોલવાડ વિસ્તારમાં એક નિરાધાર અને વિધવા વૃદ્ધ મહિલાનું મકાન તોડી પાડતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વૃદ્ધાનો આસરો છીનવાઈ જતાં તેઓ રોડ પર આવી ગયા છે. આ વૃદ્ધાનું રહેણાંક મકાન કોના ઈશારે તોડી નંખાયું છે ? તેવો પ્રશ્ન જાગૃત નગરજનો પૂછી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ખાતે ગોલવાડમાં કુંભારઢાળના નાકે શીટ નંબર-પ૭ સિટી સર્વે નંબર-૬૩૦ વાળી જમીન પર અમીના બેન અબ્દુલરહીમ ઘાંચી નામની ૭પ વર્ષીય વિધવા મહિલા વર્ષોથી રહે છે. તેઓ નિરાધાર હોવાથી આ મકાનમાં એકલા રહેતા હતા. રર-૪૪ ચોરસવાર પડતર જમીન (જ્યાં હાલ મકાન હતું તે) તેઓના કબજા હેઠળ હોઈ સદર જમીન ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૬પ(ર) હેઠળ રાજ્ય સરકાર વેચાણ આપે તો નગરપાલિકાને કોઈ વાંધો નથી. એવું નો ઓબ્જેકશન સર્ટી ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરે તા. ર૭/૧૧/ર૦૦૧નો રોજ આપ્યું હતું. આ દબાણ રેગ્યુલર કરી આપવા અમદાવાદ જિલ્લા કલેક્ટરે તા. ૩૦/૯/ર૦૧પના રોજ ધોળકાના મામલતદારને લેખિત જાણ કરી જંત્રી મુજબ થતી કુલ કિંમતના એક ટકા લેખે સર્વિસ ચાર્જ વસૂલવા જણાવેલ તથા દરખાસ્ત પ્રાંત અધિકારી મારફત મોકલી આપવા જણાવેલ દરમ્યાન ધોળકા નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા નિરાધાર વિધવા અમીનાબેન ઘાંચીના મકાનને તોડી નાખી બેઘર કરી નાખવામાં આવતા નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, ધોળકામાં સરકારી જમીન ઉપર અસંખ્ય મકાનો બનેલા છે તો પછી માત્ર વિધવા નિરાધાર અમીનાબેનના મકાનને જ ટાર્ગેટ બનાવવાનું કારણ શું ? આ વૃદ્ધાના મકાનને તોડવવામાં કોને રસ હતો ? અમીનાબેન વર્ષોથી મ્યુ.ટેક્ષ પણ રેગ્યુલર ભરતા હતા. ધોળકા નગરપાલિકાએ માનવતાવાદી અભિગમ દાખવવાની જરૂર હતી.

ધોળકાના કુંભારઢાળમાં કલેક્ટરના આદેશથી દબાણ દૂર કરાયું છે

ધોળકા નગરપાલિકા સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ધોળકાના કુંભારઢાળના નાકે ગોલવાડમાં અમીનાબેન અબ્દુલરહીમ ઘાંચીનું દબાણ તોડવા માટે અમદવાદ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હોવાથી તેમનું દબાણ તોડવામાં આવ્યું છે. આ દબાણ તોડવા માટે સ્થાનિક રહીશો દ્વારા ધોળકા નગરપાલિકા, જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.