જૂનાગઢ,તા.૧૬
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે ગરીબ ફિરોઝખાન મહંમદખાન બેલીમ ડ્રાઈવીંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા ગરીબે પોતાના સ્વખર્ચે પોતાની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાવાળી જગ્યામાં બનાવેલ મકાન તા.૧૩-૭-ર૦૧૮ના રોજ તે જ ગામના પૂર્વસરપંચ અને તેના સાગરિતો જે.સી.બી. મશીન લઈને આવ્યા તે ગરીબ પરિવાર કંઈ આવ્યા તે પહેલા જ તેઓએ જે.સી.બી.થી મકાનનું ડિમોલેશન કરવાનું ચાલુ કરેલ ત્યારે ગભરાઈ ગયેલા ફિરોઝભાઈનો પરિવાર બે હાથ જોડીને આજીજી કરતું રહ્યું છતાં પણ માનવતાવિહોણા અસમાજિક તત્વોને જરાપણ દયા ન આવી, તેટલું જ નહીં આ બાબતની જાણ શીલ પોલીસને કરાતા શીલ પોલીસ પણ ઘટના સ્થળે ન આવી તો આવા અનઅધિકૃત વ્યકિતને આવા મકાનો ડિમોલેશન કરવાની સત્તા આપી કોણે ? શા માટે આવા ગંભીર પ્રકારના બનાવમાં શીલ પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી ? શું આમ જનતાનું રક્ષણ કરવાની જવાબદારી શીલ પોલીસની ન હતી ? જે બાબતે પીડિત ફિરોઝખાન બેલીમ તથા તેમના પત્ની શીલ પોલીસ સ્ટેશને ગયા તો શીલ પોલીસે કહેલ કે, મકાનના દસ્તાવેજો આપો જયારે દિનદહાડે આવી ઘટના બની હોય તેના પુરાવા બીજા કયા હોઈ શકે ? ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના સમયથી જે માણસનો કબજો ૧૦૦ વર્ષ કરતા પણ વધારે કોઈપણ મિલકત ઉપર હોય તે માણસને કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ તે જગ્યા કે મકાન ખાલી ન કરાવી શકે અને શીલ તો ઠીક પરંતુ જૂનાગઢ જિલ્લામાં આવા દરેક ગામોમાં ૮૦ ટકા મકાનો ચવ હકક અને ઉભડ હકક નીચે આવતા હોય છે. જેના કોઈ લેખિત પુરાવા જ નથી. હોતા માત્ર આકારણી રજિસ્ટરમાં તેમની પાસેથી કરવેરો વસુલાતો હોય તે સિવાય અન્ય કોઈ આધાર જ નથી. હોતા તેમનો વર્ષો જુનો કબજો તે જ તેનો પુરાવો, છતાં પણ કાયદાકીય રીતે પંચાયતે પણ કોઈ પેશકદમી દુર કરાવી હોય ત્યારે આગોતરી નોટિસથી જાણ કરવાની હોય છે તો પછી આવી અનઅધિકૃત વ્યકિતઓને કયાંથી મળી સત્તા ડિમોલેશન કરવાની ? જો આ રીતે લોકો કાયદો હાથમાં લઈને મન પડે તેના રહેણાંક મકાનો પાડી નાખશે તો લોકોની સુરક્ષાનું શું ? આ સમગ્ર પ્રકરણની પીડિત અરજદાર ફિરોઝખાને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ફરિયાદ નિવારણ સેલમાં રજૂઆત કરતા ફરિયાદ નિવારણ સેલના અધ્યક્ષ વી.ટી. સીડાએ પણ શીલ પોલીસ અને સંબંધિત વિભાગને ઈ-મેઈલથી તેમજ પત્રથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજદાર વતી માગણી કરેલ છે અને પીડિત પરિવારના સમર્થનમાં ૧૦૦ લોકોએ જૂનાગઢ આવીને જિલ્લા પોલીસ અધિક્ષક જૂનાગઢને આવેદનપત્ર પણ આપ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આવા ગંભીર પ્રકારના બનાવમાં પોલીસ કોઈ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલવાના પ્રયત્નો કરશે ? તેવા સવાલો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ફરિયાદ નિવારણ સેલના અધ્યક્ષ વી.ટી. સીડાએ કરેલ છે.