(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને થતી તૈયારી પર શિવસેનાએ સામનાના માધ્યમથી સરકાર પર નિશાન તાક્યુ છે. સામનાના મુખપત્રના સંપાદકિયમાં કેમ છો ટ્રમ્પ, ગરીબી છુપાવો શિર્ષક હેઠળ લખાયેલા લેખમાં સરકારની ગુલામની માનસિકતા દેખાઈ રહી હોવાનો કટાક્ષ કરાયો છે. સંપાદકિયમાં લખવામાં આવ્યુ છે કે, ગુલામ ભારતમાં જ્યારે ઈંગ્લેન્ડના રાજા કે રાણી આવતા હતા. ત્યારે જનતાના પૈસાથી તેમના સ્વાગત માટે તૈયારીઓ થતી હતી. તેવી જ તૈયારી ટ્રમ્પ માટે પણ કરવામાં આવી રહી છે.
બાદશાહ ટ્રમ્પ શું ખાય છે, શું પીવે છે. તેમના ગાદી, ટેબલ, ખુરશી, બાથરૂમ, પલંગ અને છતના ઝુમર કેવા હોય તેના પર કેન્દ્ર સરકાર બેઠકો અને ચર્ચા વિચારણા કરતી જોવા મળી રહી છે. ટ્રમ્પ દુનિયાનો કોઈ ધર્મરાજ કે મિસ્ટર સત્યવાદી નિશ્રિત રીતે નથી. તેઓ એક અમીર ઉદ્યોગપતિ છે. અને આપણે ત્યાં જેવી રીતે ઉદ્યોગપતિ રાજનીતિમાં આવે છે કે પૈસાના જોર રાજનીતિને મુઠ્ઠીમાં રાખે છે. તેવા જ ટ્રમ્પના વિચારો છે.મોકો મળે તો ગદર્ભને પણ બાપ કહેવો પડે છે. અને તે દુનિયાની રીત છે. સામના સંપાદકિયમા કહેવાયુ છે કે, ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે તે માટે એરપોર્ટ અને એરપોર્ટની બહાર રસ્તાઓનુ સમારકામ શરૂ થયુ છે. ટ્રમ્પ માત્ર ત્રણ કલાક જ અમદાવાદની મુલાકાતે છે. અને તે માટે ૧૦૦ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાંથી ખર્ચ કરવામાં આવી રહ્યો છે.ક્યારેક પૂર્વ વડાપ્રધાને ‘ગરીબી હટાવો’નો નારો આપ્યો હતો. જેને ઘણા લાંબા સમય સુધી મજાકનો વિષય બનાવવામાં આવ્યો હતો. હવે આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે હવે વડાપ્રધાન મોદીની યોજના ‘ગરીબી છુપાવો’ની છે.