ટ્રમ્પની અમદાવાદની મુલાકાત અગાઉ ઈન્દિરાબ્રિજ નજીક સરણિયાવાસ આગળ ગરીબોના ઝૂંપડા ઢાંકવા મ્યુનિસિપલ કોર્પોરેશને ૭ ફૂટ ઊંચી બનાવેલી દીવાલે રાષ્ટ્રીયકક્ષાએ વિવાદ ઊભો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, દીવાલ બનાવ્યા બાદ આ દીવાલ છૂપાવવા રાતોરાત ઊંચા છોડ લાવીને રોપી દેવાયા હતા અને આ છોડની આગળ લોખંડની જાળી ફીટ કરી દેવામાં આવી હતી. આ દીવાલ બન્યા બાદ સોશિયલ મીડિયા પર એક જ સ્થળની બે તાસીર દર્શાવતી આ સ્થળની તસવીર ઝડપભેર વાયરલ થઈ રહી છે. તસવીરમાં વચ્ચોવચ દીવાલ જોઈ શકાય છે. જમણી તરફ ટ્રમ્પને ભારતનો વિકાસ બતાવવા કરાયેલી ઝાકમઝોળ જ્યારે દીવાલની ડાબી બાજુ હારબંધ બંધાયેલા ઝૂંપડાઓની વાસ્તવિકતા જોઈ શકાય છે. જ્યાં કેટલીક યુવતીઓ ખાડામાં મૂકેલા નળમાંથી પાણી ભરે છે. આમ સરકારે વિકાસ બતાવવા વિકાસ આડે દીવાલ ચણી ગરીબી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કહેવાનું મન થાય છે કે, ‘મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે ગરીબી છૂપાવવા ઝૂંપડા આડે દીવાલ બંધાય છે.’