(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતથી જ સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બચત ખાતાઓ માટે પોતાના ખાતામાં હંમેશા એક નિશ્ચિત ન્યૂનત્તમ રકમ જમા રાખવાનો નિયમ લાગુ કરી દીધો છે. ન્યૂનત્તમ બેલેન્સ કરતાં ઓછી રકમ હોવાની સ્થિતિમાં ખાતાધારક પાસેથી બેંક દંડ સ્વરૂપે મોટી રકમ વસૂલી રહી છે. બચત ખાતાઓમાં ન્યૂનત્તમ જરૂરી રકમ રાખવાના નિયમની આડમાં સરકારી બેંક ગરીબોના પરસેવાના પૈસા પર પોતાનો કબજો જમાવી રહી છે. માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક એપ્રિલથી ૩૦ જૂન સુધી ત્રિમાસિકગાળા દરમિયાન પોતાના ખાતાધારકો પાસેથી ૨૩૫ કરોડ રૂપિયાની આવક મેળવી છે. અન્ય બેંકો પણ આજ રીતે કામ કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતાધારક માટે પોતાના ખાતામાં ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા રાખવા જરૂરી છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બચત ખાતાધારકો માટે પોતાના ખાતામાં હંમેશાં બેંક દ્વારા નક્કી કરાયેલી એક ચોક્કસ રકમ જમા રાખવાનો નિયમ લાગુ કરી દીધો હતો. નિશ્ચિત રકમથી ઓછી રકમ ખાતામાં હોવા પર ખાતાધારક પાસેથી બેંક દંડ વસૂલી રહી છે. મોટાભાગના ખાતાધારકોને આ દંડાત્મક નિયમની જાણકારી નથી. સામાન્ય રીતે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો જ સરકારી બેંકોમાં પોતાના બચત ખાતાઓ રાખતા હોય છે. વ્યવસાય કરતા ખાતાધારકો પોતાના કરન્ટ(ચાલુ) ખાતાઓ દ્વારા પોતાનો વ્યવસાય કરે છે અને વધારે સુવિધાઓ તેમજ વ્યાજના લોભમાં સરકારી બેંકોની જગ્યાએ બચત ખાતા પ્રાઈવેટ બેંકોમાં રાખે છે. ન્યૂનત્તમ પૈસા બેંક ખાતામાં જમા રાખવા માટે તેમને કોઈ અડચણ પણ થતી નથી. આ અંગે મધ્યપ્રદેશના એક આરટીઆઈ કાર્યકર્તાએ આરટીઆઈ કરીને ભારતીય સ્ટેટ બેંક પાસેથી આ બાબતે માહિતી માંગી હતી. તેઓ જાણવા માંગતા હતા કે આ નિયમ લાગુ થયા બાદ બેંકે પોતાના ખાતાધારકો પાસેથી કેટલો દંડ વસૂલ્યો છે. પાંચ ઓગસ્ટના રોજ બેંકના સીપીઆઈઓએ તેમણે પહેલાં ત્રિમાસિકગાળાની દંડ દ્વારા થયેલી કમાણી ૨૩૫ કરોડ જણાવી, તે આરટીઆઈ કાર્યકર્તા પણ હેરાન થઈ ગયા. આરટીઆઈ કાર્યકર્તાનો આરોપ છે કે વડાપ્રધાને ઝીરો બેલેન્સની જોગવાઈ ધરાવતા જે જનધન ખાતાઓ ખોલાવ્યા હતા, તેનાથી થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બેંકે હવે આ નવો નિયમ અપનાવ્યો છે. મોટાભાગના ખાતાધારકોને પોતાની સાથે થઈ રહેલી આ લૂંટનો ખ્યાલ બેંકમાં ગયા બાદ આવી રહ્યો છે. ગરીબ લોકો પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એટીએમ અથવા તો બેંકમાં જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે ખાતામાં પડેલા ૨૦૦૦ રૂપિયા તો દર મહિનાના રૂપિયા ૪૦૦ના દંડ લેખે ક્યારના પતી ગયા, ત્યારે તે લોકોને બેંકના આ નવા નિયમ અંગે માહિતી પ્રાપ્ત થાય છે. એક તરફ ગરીબો સાથે ઠગાઈના આવા નવા નિયમો અપનાવવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ મોટા ધંધાર્થીઓ પાસેથી અરબો રૂપિયાના દંડની વસુલી પણ બેંક નથી કરી શકતી. આરટીઆઈ એક્ટિવિસ્ટે બેંકો પર આરોપ લગાવ્યો છે કે નોટબંધીના દિવસોમાં પણ ભારતીય સ્ટેટ બેંક અને તેની સહયોગી બેંકોએ પોતાના ખાતાધારકો સાથે ખૂબ જ છેતરપિંડી કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે ૧૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ તમામ બેંકોને આદેશ આપ્યો હતો કે નોટબંધીના સમયગાળા દરમિયાન કોઈપણ ખાતાધારક પાસેથી એટીએમ ચાર્જ ન વસૂલવામાં આવે. અન્ય બેંકોએ તો આ આદેશનું પાલન કર્યું હતું, પરંતુ ભારતીય સ્ટેટ બેંકે તો આ નિયમને નેવે જ મૂકી દીધો હતો. આરટીઆઈ દ્વારા જ્યારે ભારતીય સ્ટેટ બેંકને આ અંગે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે અમને આ નિયમ વિશે કોઈ માહિતી નહોતી. ત્યારે અહીંયા એ સ્પષ્ટ થાય છે કે સરકારી બેંકે જ રિઝર્વ બેંકના નિર્દેશને અદેખો કરી દીધો. આ દરમિયાન પોતે વડાપ્રધાને પણ લોકોને ભરોસો અપાવ્યો હતો કે તેઓ બેંકોમાં ભીડ લગાવવાની જગ્યાએ એટીએમમાંથી પૈસા કાઢે અને જેનો કોઈ ચાર્જ નહીં લાગે. ન્યૂનત્તમ રકમ ન રાખવા પર ખાતામાંથી પૈસા કાપવાનો બેંકને અધિકાર મળી ગયો હોવાના કારણે ખાતાધારકો પરેશાન થઈ રહ્યા છે. હવે બેંક જરૂરિયાતમંદ ગરીબોનું ખાતું પણ નથી ખોલતી. એકતરફ જન-ધન ખાતા ખોલાવીને ખૂબ પ્રચાર કરવામાં આવ્યો અને બીજીતરફ હવે જે લોકોના ખાતા તે સમયે નથી ખુલ્યા તે ગરીબોના ખાતા ખોલવા પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું.