(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
પાંડેસરા સ્થિત અત્યંત જર્જરિત થઈ પડેલા ટેનામેન્ટ તોડવા માટે પાલિકાની ટીમ આવતા પાલિકાની ટીમ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. લોકોના વિરોધના પગલે પોલીસ સાથે રાખવાની ફરજ પડી હતી. હાલ ઘટના સ્થળે પાલિકાના અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો તૈનાત છે. સ્થાનિકોના વિરોધના પગલે હાલ ડિમોલિશનની કામગીરી અટકાવવામાં આવી છે અને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
પાંડેસરા સ્થિત ટેનામેન્ટના મોટા ભાગના મકાનોની હાલત જર્જરીત થઇ છે. ગમે ત્યારે પડી જાય તેવી શકયતાના પગલે ઉધના ઝોન દ્વારા ડિમોલીશનની કામગીરી માટે ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ પાલિકાના કર્મચારીઓએ ડિમોલીશનની કામગીરી શરૂ કરતાં જ રહીશોએ કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક રહીશો અને પાલિકાના કર્મચારીઓ સામસામે આવી જતાં માહોલ ગરમાયો હતો. સ્થાનિકોએ પાલિકાના કર્મચારીઓનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. ડિમોલીશન માટે લાવવામાં આવેલા જેસીબી મશીન પર રહીશો ચડી જતાં મનપાની કામગીરી અટકી હતી. માહોલ બગડે તે પહેલા આજુબાજુની પોલીસ દોડી આવી હતી. પોલીસે મામલો થાળે પાડ્‌યો છે. હાલ સ્થાનિકોના વિરોધને કારણે ડિમોલીશનની કામગીરી અટકાવી દેવામાં આવી છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે નોટીસ આપ્યા વગર ડિમોલીશન કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા. તેમણે મકાન ખાલી કરવા માટે નોટીસો આપ્યા વગર લાઇટ અને નળ કનેકશન કાપી નાંયા હતા. જેથી લોકો પાણી અને અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.