અમદાવાદ, તા.રપ
રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી ગરમીમાં વધારો થતાં બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીને કારણે લૂ લાગવાના અને બેભાન થઈ જવાના બનાવો વધ્યા છે ત્યારે ગરમીથી બચવા લોકોએ ઉપાયો હાથ ધર્યા છે અને બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે જેને પરિણામે રસ્તાઓ સૂમસામ લાગે છે. ગુજરાતના અનેક સ્થળોએ તાપમાનનો પારો ઉંચકાતા ગરમીમાં અસહ્ય વધારો થયો છે. બપોરના સમયે તાપમાન ૪રથી ૪૩ ડિગ્રીની નજીક પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૧.પ ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૧.૩, ડીસામાં ૪૧.ર, અમદાવાદમાં ૪૧.૧, ઈડર, અમરેલી અને ભૂજમાં ૪૧.૦, રાજકોટમાં ૪૦.૮ અને વડોદરા તેમજ સુરતમાં મહત્તમ તાપમાન ૪૦.ર ડિગ્રી નોંધાયું હતું. ગરમીને જોતાં તબીબો પુષ્કળ પ્રમાણમાં માટલાનું પાણી લેવાની સલાહ આપી રહ્યા છે તેમજ છાશ અને લીંબુનું સરબત પીવાની પણ સલાહ આપી રહ્યા છે. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ત્યારે આવનાર દિવસોમાં ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યની તકેદારી લેવી અનિવાર્ય હોવાનું પણ ગરમી સૂચવી જાય છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ગાંધીનગર ૪૧.પ
સુરેન્દ્રનગર ૪૧.૩
ડીસા ૪૧.ર
અમદાવાદ ૪૧.૧
ઈડર ૪૧.૦
અમરેલી ૪૧.૦
ભૂજ ૪૧.૦
રાજકોટ ૪૦.૮
વડોદરા ૪૦.ર
સુરત ૪૦.ર