અમદાવાદ, તા.૧૫
રાજ્યમાં હાલ તો વરસાદની ભારે અછત છે ત્યારે હજુ પણ મેહુલો વરસે તો સારૂં એવી આશા સેવી રહેલા લોકોને ગરમીએ પરસેવે રેબઝેબ કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોના વાદળછાયા વાતાવરણ બાદ એકાએક જોરદાર તડકો નીકળતાં લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો, જ્યારે રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો. ડીસામાં મહત્તમ તાપમાન ૩પ ડિગ્રી નોંધાતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં અષાઢ અને શ્રાવણમાં ધાર્યો વરસાદ ન થતાં લોકો ભાદરવો ભરપૂરની આશા સેવી રહ્યા છે, ત્યારે ભાદરવામાં વરસાદને બદલે જોરદાર ગરમી પડવા લાગી છે, જેને લઈને લોકો ત્રસ્ત થયા છે. છેલ્લા બે દિવસથી ગરમી વધતાં લોકોને ઉનાળા જેવો અનુભવ થયો હતો. શનિવારે રાજ્યમાં ડીસામાં ૩પ ડિગ્રી જેટલુ ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલામાં ૩૪.૬, ગાંધીનગરમાં ૩૪.૪, સુરેન્દ્રનગરમાં ૩૪.૩, અમરેલીમાં ૩૪.ર, રાજકોટમાં ૩૩.૭, અમદાવાદમાં ૩૩.૬, ભૂજમાં ૩૩.૪, ઈડરમાં ૩૩.ર અને વડોદરામાં મહત્તમ તાપમાન ૩ર.૯ ડિગ્રી નોંધાયું હતું, ત્યારે હજુ પણ લોકો વરસાદની આશાઓ સેવી રહ્યા છે. જો કે, કુદરત કંઈ પણ કરી શકે તે ન્યાયે હજુ પણ બારે મેઘ ખાંધા થાય તો કહી ન શકાય.