(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સંસદ પર હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુના પુત્ર ગાલિબને આધાર કાર્ડ મળતા ગર્વની લાગણી અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, સંસદ પરના હુમલામાં દોષિત ઠેરાવાયા બાદ અફઝલ ગુરુને ફાંસી આપી દેવાઈ હતી. આધાર કાર્ડ મળતા ૧૮ વર્ષીય ગાલિબે જણાવ્યું કે, હવે તેમની પાસે ઓળખ માટે આધાર કાર્ડ તો છે. તેમણે કહ્યું ‘‘હું બહુ ખુશ છું’’ ગાલિબે આધાર કાર્ડ મળતા હવે ભારતીય પાસપોર્ટ હોવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેઓ ભારતના નાગરિકતાનો ગર્વ લઈ શકે. ગાલિબે કહ્યું ભારતીય પાસપોર્ટથી તેઓ વિદેશમાં આગળ અભ્યાસ કરવા જઈ શકે છે. હાલમાં તે મેડિકલ માટે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તે ભારતના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માંગે છે. ગાલિબે કહ્યું કે, તે માત્ર પિતા અફઝલ ગુરુના સ્વપ્નને સાકાર કરવા માંગે છે. અફઝલ તેમના મેડિકલ કેરિયર (શેરએ કાશ્મીર મેડિકલ ઈન્સ્ટીટ્યુટમાં) આગળ વધારી શક્યા નહોતા. હવે ગાલિબ ડોક્ટર બનીને પિતાનું સ્વપ્ન પૂરું કરશે. ગાલિબે આતંકવાદી સંગઠનોથી બચાવવાનો માતાને શ્રેય આપતા કહ્યું કે, આપણે ભૂતકાળની ભૂલોથી જ શીખીએ છીએ. ગાલિબના દાદા અને માતા એ કહ્યું કે એમના પરિવારનો કોઈપણ સભ્ય કાશ્મીર મુદ્દે થતી ચર્ચામાં કોઈને સમર્થન આપતા નથી. ગાલિબે જણાવ્યું કે, સુરક્ષા દળો તેમને પ્રોત્સાહન આપે છે અને તેમના સપના પર ધ્યાન કેન્દ્રિત કરી ડોક્ટર બનવાની સલાહ આપે છે.