નવી દિલ્હી, તા.૧૨
સરકારી ઓઈલ કંપનીઓએ બુધવારે રાંધણ ગેસનો વપરાશ કરનારાઓને ભારે આંચકો આપીને ભાવમાં સબસીડી વગરના રાંધણ ગેસમાં એક સાથે ૧૪૪.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. જે જાન્યુઆરી- ૨૦૧૪ બાદ રાંધણ ગેસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે. તે વખતે રાંધણ ગેસના ભાવ ૨૨૦ રૂપિયા વધ્યા હતા અને પ્રતિ સિલિન્ડરનો ભાવ ૧૨૪૧ રૂપિયા થયો હતો. સરકારી કંપનીઓએ આ જંગી ભાવ વધારા માટે એવો બચાવ કર્યો હતો કે, આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ૧૪.૨ કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ ૭૧૪ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને ૮૫૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે બિન-સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો કર્યો છે, જે ઘણા મહિનાઓમાં છઠ્ઠો વધારો છે. નવા દરો આજથી લાગુ પડ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર મૂકાયેલી માહિતી દર્શાવે છે કે, કંપની રોજ ૩૦ લાખ સિલિન્ડરો ગ્રાહકોને પૂરા પાડે છે, ૧૪.૨ કિલોના બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા છે જેમાં નવી દિલ્હીમાં નવો ભાવ ૮૫૮.૫ રૂપિયા છે. કોલકાત્તામાં ૧૪૪.૫. કોલકાતા માં ૧૪૯ રૂ.ના વધારા સથા નવો ભાવ માટે ૮૯૬ રૂપિયા, મુંબઇમાં રૂ. ૧૪૫ સાથે નવો ભાવ હવે રૂ.૮૨૯,૫ અને ચેન્નાઇમાં રૂ. ૧૪૭ના વધારા સાથે નવો ભાવ હવે ૮૮૧ રૂપિયા છે. ઇન્ડેન કંપની દ્વારા ૧૧ કરોડ ઘરોમાં રાંધણ ગેસનો પૂરવઠો પહોંચાડવામાં આવે છે.
ફ્યુઅલ રિટેલરો દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે. પરંતુ આ વધારો સતત ૬ઠ્ઠો વધારો છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરાયો છે તો બીજી તરફ સબસીડી વગરના રાંધણ ગેસના ભાવમાં ભારે મોંઘવારીમાં પિસાતી પ્રજા પર જંગી વધારો ઝીંક્યો છે. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારી અને સુસ્ત આર્થિક સ્થિતિનો પણ એક મુદ્દો રહ્યો હતો. યોગાનુયોગ દિલ્હીના પરિણામો બાદ આ જંગી વધારો કરાયા છે.