(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
મોદી સરકારે રાંધણ ગેસના સિલિન્ડર પર એક જ ઝાટકે રૂા.૧૪૪નો અધધધ… વધારો ઝીંકી દીધા છતાં પ્રજાના પેટનું પાણી હલતું નથી. કોંગ્રેસના શાસનમાં બે પાંચ કે પંદર રૂપિયાના વધારામાં આખો દેશ માથે લેનાર ભાજપના આગેવાનો કે કાર્યકરો હાલ પોતાની જ સરકાર સત્તામાં હોવાથી ગમે તેટલો વધારો થાય તોય ચૂં કે ચાં કરી શકતા નથી. કોંગ્રેસ પણ વિરોધપક્ષ તરીકે નિષ્ફળ ગયો છે. ક્યારેક ફિનિક્સ પક્ષીની જેમ ઊભો થઈ હાજરી પુરાવી દે છે. આજરોજ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેતા પરીખની આગેવાનીમાં મહિલા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા ગેસ સિલિન્ડરમાં થયેલા રૂા.૧૪૪ના જંગી ભાવ વધારાના વિરોધમાં વડાપ્રધાનને પહોંચાડવા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે દેશની ગૃહિણીઓ અને દેશના આમ આદમીના બજેટ પર ધાડ પાડી છે. તેમણે ગેસ સિલિન્ડરમાં રૂા.૧૪૪નો જંગી વધારો ઝીંકી દીધો છે. મોદી ૧૬ માર્ચ, ર૦૧૪માં જ્યારે સત્તામાં આવ્યા, ત્યારે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરનો ભાવ રૂા.૪૧૪ હતો અને સાડા પાંચ વર્ષમાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂા.૮પ૮.પ૦ થઈ ગયો છે. એટલે કે, ૧૧૦ ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. છેલ્લા એક વર્ષમાં જ ગેસ સિલિન્ડરમાં રૂા.ર૦૦નો વધારો ઝીંકી દેવાયો છે. એ જ રીતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ ર૦૧૪માં ૪૧૪ હતો. એ વધીને રૂા.પ૬૭ થઈ ગયા છે. એટલે કે, એક સિલિન્ડરે રૂા.૧પ૧ વધારી દેવાયા છે. આજે દરેક પરિવારમાં વર્ષમાં ૧ર સિલિન્ડરનો વપરાશ ગણતા રૂા.ર૦૦૦ દરેક પરિવાર દીઠ સેરવી લેવાયા છે. હાલ દેશમાં કુલ રપર૧૦૦૦૦૦ સિલિન્ડરનો વપરાશ થાય છે. એટલે કે, રૂા.૧૪૪ના ભાવ વધારો ગણતા મોદીએ દેશની જનતા પાસેથી રૂા.૪૩૫૬૨ કરોડ રૂપિયાની ઊઘાડી લૂંટ કરી છે. મોદી સરકારમાં ઓડીપી સતત નીચે સરતી જાય છે અને બીજી બાજુ ઓડીપી (ગેસ, ડીઝલ, પેટ્રોલ)ના દર સતત ઊંચે ચઢતા જાય છે. આથી મહિલા કોંગ્રેસે આ અસહ્ય ભાવ વધારો પાછો ખેંચી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીના મારથી રાહત આપવા વિનંતી કરી છે.