(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
ઓલપાડના માસમા રોડ ખાતે આજે સવારે ૬ઃ૩૦ વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી. જેને કારણે એક પછી એક ૨૫ સિલિન્ડર ફાટ્યા હતા. ટ્રકની આગની ચપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી. પ્રચંડ ધડાકા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઈ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ બ્લાસ્ટ જેવા અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં થઈ ગયા હતા. આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે. જો કે, સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા-જાનહાનિ થઈ નથી.
ઘટનાને નજરે જોનાર સાવર રાયકા એ જણાવ્યું હતું કે, ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકના કેબિનમાં સૌ પ્રથમ આગ લાગી હતી. બાદમાં બસ સાથે સિમેન્ટ ભરેલા આઇસર ટ્રકનો એક્સિડન્ટ થયો હતો અને તેની પાછળ આવતી રિક્ષા પર ગેસની બોટલ પડતાં તેનું હૂડ સળગી ગયું હતું. આગ જોત જોતામાં જ પ્રચંડ બની ગઈ હતી અને સિલેન્ડરમાં બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ગામના લોકો પણ ભયના માર્યા રોડ પર દોડી આવ્યા હતા.ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પર ડિવાઈડરની સામે બાજુથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ સાથે સિમેન્ટ ભરેલા ટેમ્પોએ એક્સિડન્ટ સર્જ્યો હતો. જેથી સ્કૂલ બસમાં રહેલા ૨૬ વિદ્યાર્થીઓને ડ્રાઈવર કન્ડક્ટરે સલામત રીતે ઉતાર્યા હતા. બાદમાં બસમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રેડિયન્ટ સ્કૂલની બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બાદમાં સ્કૂલ બસની સાથે સિમેન્ટ ભરેલો ટેમ્પો અથડાયો હતો. ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થઈને એક ઓટો રીક્ષા પર પડ્યા હતા. જેથી ઓટો રિક્ષાનું ઉપરનું હૂડ બળીને ખાક થઈ ગયું હતું. ટ્રકમાં લાગેલી ભયાવહ આગના પગલે વાહનવ્યવહાર માટે રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટના વખતે એકલ દોકલ વાહનો જ રસ્તા પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઊભો થયો નહોતો. આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગ કામગીરીના અંતે રસ્તાને ફરી ખોલવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આસપાસના ગામમાંથી લોકો પણ દોડી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે તપાસ માટે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ વિસ્તારમાં ગેસ રિફલિંગનો વેપલો ચાલતો હોવાથી કદાચ કોઈ બોટલમાંથી ગેસ કાઢ્યા બાદ બોટલ લિકેજ રહી ગઈ હોય અને તેના કારણે પણ પ્રચંડ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં હોવાથી એફએસએલની તપાસમાં આગ લાગવાનું કારણ મળી શકે છે. ગેસની બોટલો બ્લાસ્ટ સાથે હવામાં ઉછાળીને નજીકના માસમા ગામના તળાવમા તથા ખેતરોમાં ગેસની બોટલોના ટુકડા પડ્યા હતા. વહેલી સવાર હોવાથી કોઈ ખેતરોમાં કે, તળાવો નજીક નહીં હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. જો કે, ગેસન બોટલના ટુકડા ગામમાં પડતાં ગામમાં દેહશતનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ ધડાકાની જેમ ફાટતાં સિલિન્ડર ૧૦૦ મીટર સુધી હવામાં ફંગાળાયા હતા. જેથી દુર્ઘટના સ્થળ આસપાસ ૧૫ હળપતિઓના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. હળપતિઓના કાચા મકાનો હોવાથી છત ઉપરથી ફાટેલા સિલિન્ડરના કટકા તોપના ગોળાની જેમ ઘરમાં ઘૂસી ગયા હતા. જો કે, સદનસીબે કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી.