(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧,
શહેરના આજવા રોડ પર આવેલી હરિઓમ ગેસ એજન્સી પર આજે જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકીંગમાં પુરવઠા વિભાગે રાંધણગેસના સીલીન્ડરમાં ગેસ ઓછો કરીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ ગેસ એજન્સી પૂર્વ મેયરની છે.
શહેરના આજવા રોડ પર ઇન્ડિયન ઓઈલની ગેસ એજન્સી હરિઓમ ગેસ પર આજે સવારે પુરવઠા વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી. જ્યાં એજન્સીનો એક ટેમ્પો રાંધણગેસના ભરેલા બોટલ લઈને ઓફિસે આવ્યો હતો. પુરવઠા વિભાગે આ ટેમ્પોના આશરે ૩૦ જેટલા બોટલનું વજન કરી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલાક ગેસ સીલીન્ડરમાં એકથી ત્રણ કિલો જેટલો ગેસનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું. આ કારણે ગેસના સીલીન્ડરમાંથી ગેસની ચોરી થતી હોવાની વાતનો પર્દાફાશ થયો હતો. પુરવઠા વિભાગે આ અંગે તપાસ કરી અને એજન્સી સંચાલક અને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હરિઓમ ગેસ એજન્સી વડોદરા શહેરના પૂર્વ મેયર સુરેશ રાજપૂતની માલિકીની છે. જયારે પુરવઠા વિભાગે ગેસ એજન્સી પર ઓચિંતું ચેકિંગ હાથ ધરતા રાજકીય મોર્ચે પણ ચર્ચા જાગી છે. અગાઉ આ એજન્સીને કથિત ઓકટ્રોય ચોરીના કેસમાં છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. જયારે તાજેતરમાં રાંધણગેસના સીલીન્ડરમાંથી ગેસ ચોરીની ઘટના બહાર આવતા તંત્ર એજન્સી સામે કાર્યવાહી કરશે.
આજવા રોડ પર રાંધણગેસના સિલીન્ડરમાંથી ગેસ ઓછું કરીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું

Recent Comments