(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત શહેરના વરાછા યોગીચોક રોડ પર આવેલા એપલ સ્કવેર એપાર્ટમેન્ટની પાર્કિંગમાં આજે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે ગેસ લીક થતો હોવાનો મેસેજ ફાયર કન્ટ્રોલને મળતા તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરાછા યોગી ચોક ખાતે આવેલ એપલ સ્કવેરની પાર્કિંગમાં ફોર વ્હીલ ગાડીમાંથી ગેસ લીક થઈ રહ્યાં હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની ગંભીરતા સમજી ફાયર ઓફિસર કિર્તી મોઢ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે રવાના થયા હતા. ઘટના સ્થળે જઈને જાતા પાર્કિંગમાં ફોર વ્હીલના બદલે સ્પ્લેન્ડર મોટર સાઈકલની એલપીજી ટેન્કમાંથી ગેસ લીકેજ થઈ રહ્યાં હોવાનું જણાયું હતું. ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સ્પ્લેન્ડર નં. જીજે-૧૪-કે-૫૦૨૦નો કબજા લઈને સરથાણા પોલીસ મથકના જમાદાર તુલસીભાઈને કબજા સોંપ્યો હતો. પાર્કિંગમાં ગેસ લીકેજના પગલે એપાર્ટમેન્ટના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળે છે.