(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
મોંઘવારી સામે ઝઝુમી રહેલા સામાન્ય માણસને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક આંચકો આપ્યો છે. સરકારે પેટ્રોલ થોડુંક સસ્તું કરીને ગેસના ભાવ વધારી દીધા છે. કેન્દ્ર સરકારે હવે ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારાનું ફરમાન જારી કર્યું છે. આ વધારો સબસિડીવાળા એલપીજી સિલિન્ડર ઉપરાંત સબસિડી વગરના સિલિન્ડર પર પણ લાગુ થશે. સરકારના આ નિર્ણયથી દેશમાં મોંઘવારી વધુ વધવાની આશા છે. સરકારના આ પગલાની સીધી અસર રસોઇ પર પડશે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ વિભાગે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨.૩૪ અને સબસિડીવગરના સિલિન્ડરના ભાવમાં ૪૮ રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને પગલે હવે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર ૪૯૩.૫૫ રૂપિયા અને સબસિડીવગરના સિલિન્ડર ૬૯૮.૫૦ રૂપિયામાં મળશે. હોટલ અને રેસ્ટોરન્ટ્‌સમાં વપરાતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૭૭ રૂપિયાનો વધારો થયો છે અને હવે આ સિલિન્ડર ૧૨૪૪.૫૦ રૂપિયામાં મળશે. ગયા મહિનાની કિંમતની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આજના ભાવ વધારાની સાથે સબસિડીવાળા એલપીજીની કિંમત આ વર્ષે ફેબ્રુઆરી મહિના બાદથી ચાર મેટ્રોમાં સૌથી ઉંચી કિંમતે પહોચી ગઈ છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર પર સબસિડી ઉપલબ્ધ કરાવે છે. સબસિડીના રેટ ઉપર એક વર્ષમાં ગેસમાં એક પરિવારને ૧૨ સિલિન્ડર આપવામાં આવે છે. વર્તમાન નિયમ મુજબ ૧૨ના ક્વોટા બાદ ૧૩માં સિલિન્ડર પર સબસિડી મળતી નથી એટલે કે તેને માર્કેટ કિંમતે ખરીદવાની ફરજ પડે છે. સરકાર દ્વારા કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ લોકોમાં નારાજગી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દર મહિનાના અંતમાં તેલ અને ગેસ કંપનીઓ દ્વારા ગેસ કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. આ વધારાના કરાણે એમ તો રાંધણ ગેસના વપરાશકારોની તકલીફમાં વધારો થશે. સાથે સાથે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનાર લોકોની તકલીફ પણ વધશે. કારણ કે, કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ હોટલો અને રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે. મે મહિનામાં લાભ વગરના અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં નજીવા સ્તર પર ઘટાડો કરવામાં આવ્યો હતો. સ્થાનિક રાંધણ ગેસની કિંમત એપ્રિલ મહિનામાં ૭૩૫ રૂપિયા હતી જે એક રૂપિયાના ઘટાડા સાથે મે મહિનામાં ૭૩૪ રૂપિયા થઇ ગઇ હતી. આવી જ રીતે કોમર્શિયલ સિલિન્ડર જેની કિંમત એપ્રિલ મહિનામાં ૧૩૨૭ રૂપિયા હતી તેની કિંમત મે મહિનામાં ૮.૫૦ રૂપિયા ઘટીને ૧૩૧૮.૫૦ રૂપિયા થઇ ગઇ હતી.