(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૯
ઘરેલું વપરાશમાં વપરાતા એલપીજી ગેસનાં ભરેલા બોટલોમાંથી ખાલી બોટલોમાં રીફીલીંગનાં કૌભાંડનો પોલીસે રેડ પાડી પર્દાફાશ કર્યો હતો. પોલીસે તાંદલજા વિસ્તારનાં અલમદીના સોસાયટી ખાતે ચાલી રહેલાં આ કૌભાંડમાં બે જણાંની રૂા.૭.૩૫ લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના જે.પી. રોડ પોલીસ મથકનાં ઇન્ચાર્જ પો.ઇ. વી.આર.ખેર ને બાતમી મળી હતી કે, તાંદલજા વિસ્તારનાં અલમદીના રેસીડેન્સી સોસાયટીનાં એક મકાનમાં ટેમ્પો ડ્રાઈવર અને હેલ્પર એલપીજી ગેસનાં ભરેલા બોટલોનાં સીલ ખોલી ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રીફીલીંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરીથી સીલ કરીને ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે. અને હાલમાં સોસાયટીમાં બંને જણાં ગેસનાં બોટલોમાંથી ગેસ રીફીલીંગ કરી રહ્યાં છે. જેથી સર્વેલન્સ ટીમનાં પોલીસે અલમદીના રેસીડેન્સી સોસાયટીમાં છાપો માર્યો હતો. પોલીસે રીફીલીંગ કરી રહેલાં રીયાઝ હફીસુદ્દીન શેખ અમીનાનગર તાંદલજા તથા સાહીલ આરીફમીયા કુરેશી (રહે. એકતાનગર, આજવા રોડ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘરમાંથી ૩૬ જેટલાં ગેસનાં બોટલો, થ્રી વ્હીલ ટેમ્પો, પીકઅપ જીપ, મોબાઇલ ફોન, વજન કાંટો સહિત રૂા.૭.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.