(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
કર્ણાટક કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ ગુન્ડુએ એક પત્રકાર પરિષદમાં આરોપ મૂકયો છે કે, ગઠબંધન સરકારના ત્રણ માસ પૂરા થયા છતાં ભાજપે હજુ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક ચાલુ રાખ્યો છે. જેનો તેઓ જવાબ આપશે. ભાજપના નેતા યેદીયુરપ્પાએ આવા પ્રયાસોનો ઈન્કાર કર્યો છે. પક્ષના સૂત્રોએ જુદી જ વાર્તા ઊભી કરી છે. સૂત્રો કહે છે કે, ત્રણ પ્રમુખ અમિત શાહે ભાજપને નવેમ્બર સુધીમાં જેડી(એસ) કોંગ્રેસ સરકાર તોડી પાડવાનો સમય આપ્યો છે તે માટે કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવા કહ્યું છે જેથી લોકસભાની ચૂંટણીમાં પૂરતું દેખાવ આપી શકત. જો નવેમ્બર સુધીમાં ગઠબંધન સરકાર ટકી જશે તો લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ સત્તામાં આવી નહી શકે. ગઠબંધન સરકાર ચૂંટણી સુધી રહેશે તો તે ભાજપ માટે વિનાશક હશે. ભાજપ માત્ર ૧૧ બેઠકો જીતી શકશે. સરકાર તૂટે તો ર૦થી રર બેઠકો મળે તેમ ભાજપના ચૂંટણી પ્રચાર તંત્રના ઈન્ચાર્જનું માનવું છે. કોંગ્રેસના એક ધારાસભ્યના કહેવા મુજબ કેબિનેટના વિસ્તરણ સુધી તેઓ રાહ જોશે. કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કેબિનેટના વિસ્તરણ બાદ વધુ મુશ્કેલી આવે અને ઘણા ધારાસભ્યો રાજીનામા આપે તેવું સમજાય છે.