અમદાવાદ,તા. ૨૧
પાલનપુરથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦ની નકલી નોટોના જથ્થા સાથે તેને અમદાવાદમાં વટાવવાના ઇરાદે આવેલા બે ગઠિયાઓને શહેર ક્રાઇમબ્રાંચે આજે ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે પાલનપુરથી આવેલા બંને શખ્સો પાસેથી રૂ.૪ લાખ ૮૦ હજારની નકલી નોટો જપ્ત કરી તેઓની વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચને બે શખસો નકલી નોટો વટાવવા આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં સઘન વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતાં અને બાતમી મુજબની વાત સાચી લાગતાં પોલીસ અધિકારીઓએ બંને આરોપીઓને ઝડપી લઇ તેમની પૂછપરછ કરી હતી અને જડતી લીધી હતી. પોલીસની જડતી દરમ્યાન આરોપીઓ જુનેદ મેમણ તથા વિરાટ રાવલ પાસેથી રૂ.૪ લાખ ૮૦ હજારની ૫૦૦ અને ૧૦૦ના ચલણની નકલી નોટ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, બંને શખ્સો પાલનપુરથી આ બનાવટી ચલણી નોટો અમદાવાદ શહેરમાં વટાવવાના ઇરાદે આવ્યા હતા. જો કે, આ નકલી નોટો આરોપીઓ કયાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેમજ નકલી નોટોના આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ ક્રાઇમબ્રાંચે હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય ગુનેગારોને પકડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.