અમદાવાદ,તા.૩૦
હવે માલધારી સમાજે ત્રણ સરકાર સામે બાંયો ચઢાવી છે. હવે માલધારીઓ ગૌચરની જમીનો પરથી દબાણો દૂર કરવા માલધારીઓ રાજયવ્યાપી આંદોલન ચલાવશે. ત્યારે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઓબીસી, એસ.સી. એસ.ટી. એકતા મંચ દ્વારા આજે અમદાવાદ કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સરકાર જો ગૌચરની જમીનો ખાલી નહીં કરે તો એક હજાર ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં માલધારી સમાજે માગ કરતા જણાવ્યું છે કે, ગાઈ વગાડીને પ્રચાર કરવામાં સહેજ પણ પાછળ ન રહેતી સરકાર મુંગા અબોલા જીવો માટે કેટલી આગળ આવી છે તેનો પુરાવો રેવાભાઈનું મોત બતાવે છે. જો મુંગા અબોલા જીવો વોટબેન્ક હોત તો સરકાર જરૂર દરકાર લેતી ત્યારે માલધારી ઉપર અત્યાચાર કયાં સુધી, ગુજરાત સરકાર રાજયને ગૌચર મુકત કરવા કટિબધ્ધ છે ? રેવાભાઈના આંદોલન દરમ્યાન ફરજ પર જે અધિકારીઓ હતા તેમને તેમની બેદરકારી બદલ તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જાણવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ગુજરાતના ૧૦૦૦૦ એકર ગૌચર જમીન ઉદ્યોગના નામે બાબા રામદેવને વહેંચી દેવામાં આવશે જો આવું થશે તો અમે એનો સખત વિરોધ કરીશું અને બાબા રામદેવ તો શું કોઈપણ ઉદ્યોગપતિને આ જમીન લેવા નહીં દઈએ. ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારીનું મોત નથી પરંતુ હત્યા છે રાજય સરકારની અવગણના કારણે એક માલધારી આગેવાનનું આંદોલન દરમ્યાન મોત થયું છે. અમારી માગણી છે કે ગાયો માટે લડતા રેવાભાઈને સરકાર તાત્કાલ શહીદ જાહેર કરે. તેમના પરિવારજનોને તાત્કાલિક રૂા.રપ લાખ સહાય આપવામાં આવે, ચમારડી ગામની જે દબાણવાળી જમીન ખાલી કરવામાં આવે,
અમુક ભુ માફિયાઓ દ્વારા ચમારડી ગામની ૧૪૧૬ વિઘા જમીન તાત્કાલક ખાલી કરાવી ગૌચર માટે ફાળવવામાં આવે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તારની આ દશા હોય તો ગુજરાતના અન્ય ગામોના ગૌચરની દશા કેવી હશે ? ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આશીર્વાદથી આ મતવિસ્તારની ગૌચરની જમીનો પર દબાણ થયા છે. અગાઉ પણ ભાજપ સરકારના મંત્રીઓ ગૌચરની જમીનનું કૌભાંડ આચરી ચુકયા છે. માલધારીઓને ઉનાળાના સમયમાં પોતાના વતનથી અન્ય જગ્યાએ હિજરત કરવી પડે છે. ત્યારે આ સરકાર કયાં વિકાસની વાતો કરે છે. એનો તો જવાબ આપે. આવનારા સમયમાં પ્રદેશ માલધારી સમાજનું એક મહાસંમેલન બોલાવવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આજથી જ ગૌચરની જમીન મામલે ગૌચર જમીન પરથી દબાણો દુર કરવા રાજયભરમાં આંદોલન કરાશે. ૧ હજાર ગાયો લઈને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. આગામી સમયમાં દેવભૂમી દ્વારકા, સોમનાથ, અંબાજી, બહુચરાજી, ચોટીલા, જૂનાગઢ, ભાવનગર સહિત અનેક સ્થળો પર માલધારી સમાજ પર થતા અત્યાચારને લઈને પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. એમ માલધારી સમાજના આગેવાન મુકેશ ભરવાડે આવેદનપત્રમાં જણાવ્યું છે.