(એજન્સી) છત્તીસગઢ, તા.ર૦
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ર૦૦થી વધુ ગાયોની મૃત્યુના જવાબદાર નેતા હરીશ વર્માનું મોં કાળું કરાયું હતું. કોંગ્રેસીઓ અને ગ્રામીણોએ એ વખતે મોં કાળું કર્યું જ્યારે હરીશ વર્માને સુનાવણી માટે કોર્ટમાં લઈ જવાયું હતું. જો કે પોલીસે હરીશને બચાવી લીધું હતું. હરીશ વર્માને કોર્ટમાં લઈ જતી વખતે પોલીસે ઘણી જ સાવચેતી રાખી હતી પણ ફક્ત કોંગ્રેસીઓ જ નહીં પણ ઘણા બધા ગ્રામીણો પણ ગાયોની મૃત્યુ બદલ રોષે ભરાયેલ હતા. એમણે ભાજપના નેતાને મારવાનું પણ પ્રયાસ કર્યું હતું. વર્મા દુર્ગની જામુલ નગર પરિષદના ઉપાધ્યક્ષ પણ છે. પોલીસે હરીશ વર્માની વિરૂદ્ધ પશુ અત્યાચાર કાયદા હેઠળ કેસ નોંધ્યું છે. હરીશ વર્માની દુર્ગ અને બેમેતરા જિલ્લાઓમાં ત્રણ ગૌશાળાઓ છે. ત્રણેય ગૌશાળાઓમાં ગાયોની દયનીય સ્થિતિ છે અને એમની મૃત્યુથી લોકોમાં રોષ ફેલાયેલ છે. હરીશ વર્માને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ પરિસ્થિતિ તંગદિલી ભરી હતી. કોર્ટ પરિસરમાં લોકોએ આકસ્મિક જ હરીશ ઉપર હુમલો કર્યો. લોકોએ લાફા મારવા પણ પ્રયાસો કર્યા પણ પોલીસે એમને રોક્યા હતા.