(એજન્સી) ભોપાલ, તા.ર૪
મધ્યપ્રદેશમાં ગૌહત્યાની શંકાને આધારે કરવામાં આવેલા હુમલામાં ઘાયલ મુસ્લિમ વ્યક્તિની પત્નીએ ખાનગી હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે. તેણીના પતિને બળજબરીપૂર્વક હોસ્પિટલ બહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
પીડિત મોહંમદ શકીલને સતના જિલ્લા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં લવાયા બાદ શુક્રવારે જબલપુર મેટ્રો હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. સોમવારે સતના જિલ્લામાં ટોળા દ્વારા ગૌહત્યાનો કથિત આરોપ મૂકી શકીલ અને તેના પડોશી રિયાઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. રિયાઝનું હુમલાના કેટલાક કલાકો બાદ જિલ્લા હોસ્પિટલમાં નિધન થયું હતું. પોલીસ ફરિયાદમાં શકીલે કહ્યું કે, ભીડે તેમના પર લાકડી વડે પ્રહાર કર્યો હતો. શકીલની પત્નીએ આરોપ મૂક્યો છે કે હોસ્પિટલના અધિકારીઓએ તેણીને ડિસ્ચાર્જ ફોર્મ ભરવા કહ્યું હતું. કારણ કે તે સારવારનો ખર્ચ ચૂકવી શકી ન હતી. જો કે હોસ્પિટલે આ આરોપોને નકારતા કહ્યું કે, આ એક ખાનગી હોસ્પિટલ હોવાથી સારવાર પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવવું અમારી ફરજ છે. દર્દી કે તેના પરિવાર પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. સતના અધિક્ષક રાજેશાહેંગકરે મંગળવારે જણાવ્યું કે, તેમની માહિતી મળી છે કે હોસ્પિટલના બિલની ચૂકવણી મુખ્યમંત્રી ફંડમાંથી કરવામાં આવશે. પોલીસે હત્યા અને હુમલાના આરોપમાં કેસ દાખલ કરી ચાર લોકોની ધરપકડ કરી છે જ્યારે આરોપીઓમાંના એક દ્વારા રિયાઝ અને શકીલ વિરૂદ્ધ ગૌહત્યાની ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે જણાવ્યું કે, શકીલના સ્વસ્થ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.