નવી દિલ્હી, તા. ૨૨
ગૌરક્ષકોની હિંસાના મામલા સાથે જોડાયેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું હતું કે, જે લોકો ગૌરક્ષાના નામ ઉપર હિંસામાં સામેલ છે તેમને કાયદાના સકંજામાં લેવાની જરૂર છે. પહેલુખાનની હત્યાના મામલામાં સુનાવણી ચલાવતી વેળા કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આવા મામલામાં પીડીતોને વળતર આપવાની જરૂર છે. તમામ રાજ્યોની જવાબદારી છે કે, તેઓ ગૌરક્ષાના નામે થયેલી હિંસામાં પીડિતોને વળતર આપે. કોર્ટે ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશની સરકારોને આદેશ કર્યો હતો કે, તેઓ પોતાના કમ્પ્લાઇન્સ રિપોર્ટ તરત જ રજૂ કરે. આ રાજ્યોએ પોતાના રિપોર્ટ રજૂ કરી દીધા છે. બીજી બાજુ અન્ય રાજ્યોને વહેલી તકે રિપોર્ટ રજૂ કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. હવે આ મામલામાં આગામી સૂનાવણી ૩૧મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવનાર છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ગૌરક્ષકોએ પહેલુખાનને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પહેલુ ખાને પોતાના પુત્રોની સાથે પશુઓને હરિયાણાના નૂહથી રાજસ્થાનના જયપુરમાં લઇ જતી વેળા આ બનાવ બન્યો હતો. પહેલુ ખાનને નિર્દયરીતે માર મારવામાં આવ્યો હતો. તાજેતરમાં જ રાજસ્થાન પોલીસે પહેલુ ખાનની હત્યાના મામલામાં છ આરોપીઓને ક્લીનચીટ આપી દીધી હતી. આ આરોપીઓની ઓળખ મોતથી પહેલા પહેલુ ખાને પોતે કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં તમામ રાજ્યોને કહ્યું હતું કે, તેઓ ગૌરક્ષાના નામ ઉપર થનારી હિંસાને કાબૂમાં લેવા માટે પુરતા પગલા લેશે નહીં તો આ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે આદેશ કર્યો હતો કે, આ મામલાને હાથ ધરવા માટે દરેક જિલ્લામાં એક સિનિયર પોલીસ ઓફિસર તૈનાત કરવામાં આવે તે જરૂરી છે.