સુરત, તા.૧૩
સુરત જિલ્લાના ઈશરોલી ગામમાં વાછરડાઓને લઈ જતા એક યુવકને કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો. વલસાડ શહેરના મોટા તાઈવાનના નિવાસી મુહિબ અબૂબકર પોતાની વાનમાં ૬ વાછરડાઓને લઈ મહુવા તાલુકા તરફ જઈ રહ્યો હતો. એમનો પીછો ચાર યુવકોએ કારમાં આવીને કર્યો અને મહુઆ બારડોલી રોડ પાસે આવેલ પેટ્રોલપંપ ઉપર વાનને પકડી પાડ્યું. પોલીસ ફરિયાદ મુજબ ચાર યુવકો કારમાંથી લાકડીઓ લઈને ઉતર્યા. અબુબકરે ભાગવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો અને ચારેય યુવકોએ એમને માર માર્યો એ પછી એ શેરડીના ખેતરો તરફ ભાગી ગયો. એ પછી એ સુરત પહોંચ્યો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો.
હોસ્પિટલે બારડોલી પોલીસને માહિતી આપી. જેના પછી પોલીસે હોસ્પિટલ પહોંચી અબુબકરનું નિવેદન નોંધ્યું અને ગૌ રક્ષકો સામે ઈપીકોની કલમ ૩ર૩, ૩ર૪ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો. પોલીસે અબૂબકરની વાનને શોધી કાઢી પણ એમાંથી વાછરડાઓ ગુમ હતા.
બારડોલી પોલીસે જણાવ્યું, અમોએ ચાર ગૌરક્ષકો સામે ગુનો નોંધ્યો છે. અબુબકર ખતરાથી બહાર છે પણ એમને ઘણી બધી ઈજાઓ થઈ છે. અબુબકર સ્પષ્ટ રીતે બોલી શકતો નથી જેથી વધુ માહિતી અમે મેળવી શક્યા નથી. અમે આરોપીઓની શોધ કરી રહ્યા છીએ.