અમદાવાદ, તા.૨૯
ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની મહિલા લીનુસિંહ સાથે દહિયાના પ્રેમ પ્રકરણ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રણ મહિલા આઈએએસ સહિત પાંચ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરી છે અને તેની સાથે જ તપાસ સમિતિએ કામગીરી શરૂ કરી દીધી. તપાસ સમિતિની મળેલી બેઠકમાં પીડિત મહિલા અને ગૌરવ દહિયાની પૂછપરછ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પીડિત મહિલાએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે કે, ગૌરવ દહિયાએ ડિપાર્ટેન્ટની જ એક યુવતી સાથે ત્રીજા લગ્ન પણ કરેલા છે. લીનુસિંહે કહ્યું કે, ન્યાય નહીં મળે તો તે પીએમ કાર્યાલય સામે ઉપવાસ કરશે. ગૌરવ દહિયાનાં સગ્નેતર સંબંધ મામલે તપાસ કરવા માટે ૫ મહિલા આઇએએસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. તેમજ આ સમીતીનું અધ્યક્ષપદ રાજ્યનાં શિક્ષણ સચિવ અને મહિલા IAS ઓફિસર સુનયના તોમર સંભાળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના IAS અધિકારી શ્રી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે જીણવટભરી તપાસ માટે ત્રણ IAS  અધિકારીઓની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે.
આ તપાસ સમીતિમાં સોનલ મિશ્રા (IAS), મમતા વર્મા (IAS) તેમજ બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ શ્રીમતી દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષા ના અધિકારી રહેશે નો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા સનદી અધિકારીની ટીમ આ મામલે તલસ્પર્શી તપાસ કરીને ૧૬ દિવસમાં સમગ્ર અહેવાલ સીએમ વિજય રૂપાણીને સુપરત કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે,આઇએએસ અધિકારી ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ ૫ર હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. ૨૨ જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે. દહિયાએ પોલીસમાં કરેલી અરજીમાં કરેલા આક્ષેપ મુજબ દિલ્હીની મહિલા સાથે ૨૦૧૭માં ફેસબુક પર મિત્રતા થઇ હતી જે બાદમાં પ્રેમમાં પરીણમી હતી. દહિયા અને મહિલા અવારનવાર રૂબરૂમાં મળતા હતા. ત્યારબાદ મહિલા દ્વારા દહિયાને અગાઉની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહી દહિયા મહિલાને આર્થિક મદદ પણ કરતા હતા. મહિલા દ્વારા રૃપિયા પડાવવા માટે બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલા માટે દહિયાએ મકાનની ખરીદી કરી હતી.