અમદાવાદ, તા.૧૩
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટે ગયા હતા. જ્યાં તેઓ જાપાનના વડાપ્રધાનને ગળે લગાડી ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું.
જાપાનના વડાપ્રધાન શિન્જો અબે તેમની પત્ની અકી અબે સાથે જેવા અમદાવાદ એરપોર્ટે આવ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ શિન્જો અબેને ગળે મળીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમની પત્ની અકી અબે સાથે હસ્તધૂનન કરીને તેમનું પણ સ્વાગત કર્યું હતું. શિન્જો અબેનું સ્વાગત કરવા ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ જાપાનના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનથી આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બુદ્ધ સંતોએ પણ શિન્જો અબેનું સ્વાગત કર્યું હતું.
જો કે શિન્જો અબે આવે તે પહેલા અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ રાજ્યપાલ કોહલી અને મુખ્યમંત્રી રૂપાણીએ સ્વાગત કર્યું હતું.
ભવ્ય રોડ શોની સાથે સાથે

એરપોર્ટથી તાજ સર્કલ,તાજ સર્કલથી કેમ્પ હનુમાન,કેમ્પ હનુમાનથી શાહીબાગ ડફનાળા,શાહીબાગ ડફનાળાથી શિલાલેખ(રીવરફ્રન્ટ),નારણઘાટથી આરટીઓ,આરટીઓથી સાબરમતી આશ્રમ સુધીના ભવ્ય રોડ-શોમાં જાપાની વડાપ્રધાનના પત્ની અકી અબેએ મોબાઈલમાં રોડ-શોનું રેકોર્ડીંગ પણ કર્યું હતું.
વિવિધ સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું
એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના સમગ્ર રૂટની વચ્ચે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા કલાકારોના કાર્યક્રમો પણ વિદેશી મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શિન્ઝો આબે અને તેમના પત્ની ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિના દ્રશ્યો નિહાળી ભારે પ્રભાવિત થયા હતા.
મોદીએ સૌપ્રથમવાર કોઇ દેશના વડાપ્રધાન સાથે રોડ-શો યોજયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર કોઇ દેશના વડાપ્રધાન સાથે મેગા રોડ-શો યોજયો હોય અને તે પણ અમદાવાદમાં તે એક ઐતિહાસિક અને નોંધનીય ઘટના હતી. મોદીએ બંને મહાનુભાવોને રોડ-શોમાં ભારતીય પહેરવેશમાં સજ્જ કરાવી યાત્રા કરાવી હતી કોઇ દેશના વડાપ્રધાન સીધા અમદાવાદ આવ્યા હોય અને અહીંથી જ પાછા પોતાના દેશ પરત ફરશે તે પણ એક અભૂતપૂર્વ ઘટના હશે.