(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨
કર્ણાટકના ટોચના પત્રકાર ગૌરી લંકેશની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.પત્રકારની હત્યાના આરોપી ૨૬ વર્ષના પરશુરામ વાઘમારેએ કહ્યું છે કે, કર્ણાટક-મહારાષ્ટ્ર બોર્ડર નજીક બેલગામના જંગલમાં કટ્ટરવાદી હિંદુ જૂથના સભ્યોએ ટ્રેનિંગ સમયે એક વ્યક્તિને ગૌરી લંકેશના માથામાં ગોળી મારવા જણાવ્યું હતું, જે રીતે કન્નડ બુદ્ધીજીવી એમએમ કલબુર્ગીને ગોળી વાગી હતી. પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ગૌરી લંકેશની તેમના નિવાસ સ્થાન બહાર જ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. લંકેશને કથિત ગોળી મારનારા વાઘમારેનો કેસ કર્ણાટક એસાઇટીને સોંપવામાં આવ્યો છે. વાઘમારેએ એસઆઇટીને જણાવ્યું હતું કે, ટ્રેનિંગ સમયે ઓછામાં ઓછો એક શખ્સ સામેલ હતો જેણે કલબુર્ગીની હત્યા કરી હતી. તપાસ ટીમને આ દરમિયાન એવુંપણ જાણવા મળ્યું છે કે, વાઘમારેને ટ્રેનિંગ આપનારા સીધી રીતે કલબુર્ગી હત્યામાં પણ સામેલ હતા. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, બંને હત્યાકાંડમાં એક જ વિચારધારાના લોકો સામેલ છે. ૩૦મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ થયેલી કલબુર્ગીની હત્યાનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી.
કર્ણાટક સ્ટેટ સાયન્સ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ અનુસાર ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા ૭.૬૫ એમએમ કન્ટ્રીમેડ ગનથી કરવામાં આવી હતી. ૩૦મી મેએ એસઆઇટી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. કલબુર્ગીના ધારવાડ ખાતેના તેમના મકાનના દરવાજા પાસે જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી તેમની હત્યા કરી હતી. ગોળી સીધા માથા પર જ મારવામાં આવી હતી. બીજી તરફ ગૌરી લંકેશ સાંજના સમયે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે એક બંદૂકધારીએ ચાર ગોળી મારી તેમની હત્યા કરી હતી. એસઆઇટીએ હેલમેટ પહેરીને ગૌરી લંકેશને ગોળી મારનારના રૂપમાં વાઘમારેની ઓળખ કરી છે. જ્યારે તેનો સાથી ગણેશ મીસ્કીન થોડા અંતરે તેની રાહ જોઇ રહ્યો હતો. એસઆઇટી તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, વાઘમારેએ ગણેશ સાથે ફાયરઆર્મની ટ્રેનિંગ પણ લીધી હતી. આ ટ્રેનિંગમાં કથિત રીતે રાજેશ બાંગરા પણ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. બાંગરા એક સરકારી કર્મચારી છે અને તેની પાસે બે લાયસન્સવાળી પિસ્તોલ છે. એવો આરોપ છે કે, તે હિંદુત્વ ગ્રૂપમાં સામેલ થનારા યુવાઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી ચુક્યો છે. એસઆઇટી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આકરી પૂછપરછ દરમિયાન વાઘમારેએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ દરમિયાન તેને કહેવામાં આવ્યું હતું કે, ‘ગોળી માથામાં જ મારજે, જે રીતે કલબુર્ગીના કેસમાં કર્યું હતું જેથી મોત થઇ જાય.’