(એજન્સી) બેંગલુરૂ, તા. ૩૦
કર્ણાટકના પશ્ચિમ બેંગલુરૂમાં પત્રકાર અને કાર્યકર ગૌરી લંકેશની ૨૦૧૭ની ૫મી સપ્ટેમ્બરે કરવામાં આવેલી હત્યાના કેસમાં કટ્ટરવાદી જમણેરી પાંખના સંગઠન સનાતન સંસ્થા સાથે જોડાયેલા ચાર ઇસમોની પોલીસે કરેલી ધરપકડને પગલે રાજ્ય પોલીસની ખાસ ટીમ આ કેસ ઉકેલવાની બહુ નજીક પહોંચી ગઇ છે. મૈસુરૂમાં લેખક કે.એસ. ભગવાનની હત્યા કરવાના જાન્યુઆરી ૨૦૧૮માં ઘડવામાં આવેલા કાવતરાના સંદર્ભમાં આ ચારે ઇસમોની ધરપકડ કરાઇ છે. આ ચાર ઇસમોની ધરપકડ બાદ પોલીસને ગૌરી લંકેશ હત્યાકાંડના તાર પણ આ આરોપીઓ સાથે જોડાયેલા મળ્યા છે. ગત સપ્તાહે ધરપકડ કરાયેલા આ ચાર લોકો સનાતન સંસ્થાના અનુષાંગિક સંગઠન હિન્દુ જનજાગૃતિ સમિતિ (એચજેએસ) સાથે જોડાયેલા છે. સાથે જ તેમના તાર હિન્દુ યુવા સેનાના કાર્યકર ૩૭ વર્ષીય કેટી નવીનકુમાર સાથે પણ જોડાયેલા છે. નવીનકુમારે ૨૦૧૭માં એચજેએસ અને સનાતન સંસ્થાની ઘણી બેઠકોમાં ભાગ લીધો હતો અને ગૌરી લંકેશની હત્યાના કેસમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ચાર ઇસમોમાં મહારાષ્ટ્રનો એચજેએસનો કાર્યકર ૩૯ વર્ષીય અમોલ કાલે ઉર્ફ ભાઇસાબ, સનાતન સંસ્થાનો કાર્યકર અને ગોવાનો નિવાસી ૩૯ વર્ષીય અમિત દેગ્વેકર ઉર્ફ પ્રદીપ, કર્ણાટકના વિજયપુરાનો વતની ૨૮ વર્ષીય મનોહર અડેવ અને એચજેએસ અને મેંગલોરના સનાતન સંસ્થાનો કાર્યકર ૩૭ વર્ષીય સુજીત કુમાર ઉર્ફ પ્રવીણનો સમાવેશ થાય છે. આ ચારે સામે કર્ણાટકમાં કેએસ ભગવાનની હત્યાનું કાવતરૂં ઘડવાનો આરોપ છે.