(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
સમાજ સુધારક અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા કર્ણાટકના ગૃહમંત્રી રામલીંગ રેડ્ડીએ કહ્યું કે તપાસકાર્ય લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને અઠવાડિયાઓમાં અપરાધીઓના નામ જાહેર કરવામાં આવશે.
તપાસ બાદ શંકાસ્પદોની યાદી તૈયાર થઈ ગઈ છે. તપાસ પૂર્ણ કરવાની કોઈ અંતિમ તારીખ નથી. પરંતુ આગામી અઠવાડિયાઓમાં તે પૂર્ણ થશે. ડાભોલકર અને પાંડસરેની હત્યા (જેમની હત્યા મહારાષ્ટ્રમાં થઈ હતી.)ની તપાસ લંબાતી જ જાય છે. તેની વિરૂદ્ધ અમારી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે.
કેન્દ્રીય વિભાગો જેવા કે આવકવેરા વિભાગ સીબીઆઈ અને ચૂંટણીપંચનો વિરોધ પક્ષ વિરૂદ્ધ દુરૂપયોગ થઈ રહ્યો છે. ટૂંક સમય પહેલાં જ મંત્રી એમ.બી. પાટિલે આરોપ મૂક્યો હતો કે તેમનો ફોન રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ મૂક્યો હતો કે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા દરમ્યાન મંત્રી ડી.કુે. શિવકુમારને ભાજપમાં જોડાવવા કહ્યું હતું.
રેડ્ડીએ કહ્યું કે દેશમાં નિરંકુશ સરકાર હોય જેમાં તમામ સત્તા માત્ર એક જ વ્યક્તિના હાથમાં હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તમામ એજન્સીઓનો ભારે દુરૂપયોગ થઈ રહ્યો છે. પાછલી કોંગ્રેસ સરકારમાં આ પરિસ્થિતિ ન હતી.