(એજન્સી) તા.૩૧
કર્ણાટક પોલીસને કન્નડ લેખક અને વિવેચક પ્રોફેસર કે.એસ. ભગવાનની હત્યાનું ષડયંત્ર રચનાર ચાર આરોપીઓના ઘરેથી ત્રણ ડાયરીઓ અને પત્રકાર ગૌરી લંકેશના ઘરનું સ્થાન દર્શાવતો નકશો મળી આવ્યો હતો. આ ડાયરીઓમાં તેમની ગુપ્ત પ્રવૃત્તિઓ વિશેની નોંધો છે. ર૦ અને ર૧ મે ના દિવસે કથિત રીતે કે.એસ.ભગવાનની હત્યાનું કાવતરૂ રચવાના આરોપસર આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર આરોપીઓમાં સુજીતકુમાર ઉર્ફે પ્રવિણ (૩૭), અમોલ કાલે ઉર્ફે ભાઈસાબ (૩૯), અમિત દેગવેકર ઉર્ફે પ્રદીપ (૩૯) અને મનોહર સેદાવે (ર૮)નો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ જમણેરી સંગઠન સનાતન સંસ્થા અને તેની ભગીની સંસ્થા હિન્દુ જનજાગૃતિ સમિતિ સાથે સંકળાયેલા છે. બુધવારે આ ચારેય આરોપીઓને ભગવાન કેસ માટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ગૌરી લંકેશની હત્યાની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ગુરૂવારે તેઓની આ કેસમાં પણ ધરપકડ કરશે.

એક અન્ય બુદ્ધિજીવીની હત્યાના ષડયંત્રની તપાસ પોલીસને
“ગૌરી લંકેશની હત્યાના માસ્ટર માઈન્ડ” તરફ દોરી ગઈ

(એજન્સી) તા.૩૧
કન્નડ લેખક કે.એસ. ભગવાનની હત્યાના ષડયંત્ર બદલ પોલીસે આ મહિનાની શરૂઆતમાં પ્રવિણ ઉર્ફે સુજીતકુમારની ધરપકડ કરી હતી. પોલીસના સૂત્રો મુજબ વિચારકોની હત્યા માટે રચાયેલી ગેંગમાં મુખ્ય ભરતી કરનારો હતો. પ્રવિણ કથિત રીતે પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો પણ માસ્ટરમાઈન્ડ છે. તે ગોવા સ્થિત હિન્દુત્વવાદી સંગઠન સનાતન સંસ્થા અને તેની ભગીની સંસ્થા હિન્દુ નવજાગૃતિ સમિતિ સાથે સંકળાયેલો છે. ગૌરી લંકેશ હત્યા કેસમાં કે.ટી. નવીનકુમાર દ્વારા કથિત રીતે સંકળાયેલો છે. નવીનકુમાર એક શૂટર છે. જેની માર્ચમાં ગૌરી લંકેશની હત્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ગૌરી લંકેશની હત્યાથી સંતોષ પામેલા પ્રવિણે નવીનને કે.એસ.ભગવાનની હત્યાનું કામ સોંપયુ હતું. નવીનની ધરપકડ કર્યા પછી તેની પૂછતાછના આધારે પોલીસે પ્રવિણની શોધખોળ શરૂ કરી દીધી હતી અને છેવટે ર૦ મે ના દિવસે તેની ધરપકડ કરવામાં આવી. પોલીસે પ્રવિણ પાસેથી ૧પ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાં. હવે પોલીસ એમ.એમ.કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોલકર હત્યા કેસોમાં પ્રવિણની સંડોવણી વિશે તપાસ કરી રહી છે.