જૂનાગઢ, તા.૩૧
જૂનાગઢ જિલ્લામાં પણ અનેક કૌભાંડોની સાથે-સાથે છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ મહાનગરપાલિકાનું ગૌશાળાનું કૌભાંડ બહાર પડેલ છે. મુંગા પશુઓ પ્રત્યે બેદરકારી દાખવવાનાં કારણે જે ગૌશાળાને પશુઓ સોંપવામાં આવ્યા હોય તેનાં મૃત્યુ થવાનાં બનાવે ભારે હોબાળો મચાવ્યો છે. ત્યાં જ વધુ એક ગૌશાળા કૌભાંડ બહાર આવેલ છે. ચોરવાડી ગૌશાળાનાં નામે ખોટા દસ્તાવેજ બનાવી ર૦૦ ગાયનાં ખર્ચનાં બિલ ઉધારવામાં આવ્યા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામેલ છે.
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર જૂનાગઢ હાનગરપાલિકાનાં ગાય કૌભાંડને લઈ હાલ તો ગૌ પ્રેમીઓ, અધિકારીઓ અને ભાજપના શાસકોનાં મોઢા સિવાઈ ગયા છે. આ પ્રકરણની યોગ્ય તપાસ થાય તો કોર્પોરેશનનાં અધિકારીઓ અને ભાજપનાં નેતાઓને પણ છાંટા ઉડે તેમ છે. ગાય કૌભાંડને લઈ મનપા કચેરીમાં ભારે ચર્ચા જાગી છે. આ પ્રકરણમાં બુધવારે નવો વણાંક આવ્યો છે. તોરણિયા પાસેની રામાપીર ગૌ શાળા ટ્રસ્ટમાં ગાયોના મોત થઈ રહ્યાં છે. તેના નામે લાખો રૂપિયા ઉધારી નાખવામાં આવ્યા છે. આ કૌભાંડમાં ચોરવાડી ગામની બલરામ ગૌ સેવા સમાજ ટ્રસ્ટનું નામ આવતાં ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનો મનપા કચેરીએ દોડી આવ્યા હતાં. રજૂઆતમાં ગૌ શાળાનાં પ્રમુખે કહ્યું હતું કે ગૌવંશના નિભાવની રકમ અંગેની માહિતી આપવાની માંગ છે. તેમજ દસ્તાવેજમાં શું લખાયું છે અને કોના નામનો ચેક બન્યો હતો તેની વિગત આપવા માંગ છે અને ચેક કયાં નામથી ક્લિયર થયો તે પણ જણાવવું. બાદ બે કલાકનાં અંતે મહાનગરપાલિકાએ બલરામ ગૌ સેવા સમાજના આગેવાનોને પુરાવા આપ્યા હતાં. આ પુરાવામાં ઘટસ્ફોટ થયો હતો. રામાપીર ગૌ શાળાનાં સંચાલક ધીરૂભાઈ સાવલિયાના નામે દસ્તાવેજ નિકળ્યાં હતાં અને સોગંદનામું તેના ભાઈ પરસોત્તમભાઈ સાવલિયાનાં નામનુ નિકળ્યું હતું. બલરામ ગૌ શાળાનાં નામે વહીવટ થયો હતો પરંતુ બલરામ ગૌશાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓએ આ પુરાવા ખોટા હોવાનું કહી દીધું છે. જાતી પેપરો બનાવીને મનપાનાં અધિકારીઓ સાથે મેળમિલાપ કરી ધીરૂભાઈ સાવલિયા, પરસોત્તમભાઈ સાવલિયાની સાંઠગાંઠથી બલરામ ગૌશાળાનાં નામે ર૦૦ ગાયનો વહીવટ થયાનું બહાર આવ્યું હતું. આ ઘટનાના પગલે બલરામ ગૌ શાળાનાં સંચાલકો પણ ચકિત થઈ ગયા હતા. દરમ્યાન બલરામ ગૌશાળાનાં વિઠ્ઠલભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે અમારા નામે રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ અંગે રામાપીર ગૌ શાળાનાં સંચાલકો સામે બિલખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.