નવી દિલ્હી,તા.૧૮
ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તેના સ્પષ્ટ શબ્દોમાં નિવેદનો આપવા માટે જાણીતો છે. હવે ગંભીરે એમએસ ધોની વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને એક નવો જ વિવાદ શરૂ કર્યો છે.
એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં ગંભીરે કહ્યું કે, ૨૦૧૧ના વર્લ્ડ કપ ફાઈનલમાં શ્રીલંકા સામેની મેચ દરમિયાન ધોનીની એક વાતને કારણે સદી ફટકારી નહોતો શક્યો. ગંભીરનું કહેવું છે કે જ્યારે ધોનીએ કહ્યું કે તે શતકની આજુબાજુ છે અને તેનું ધ્યાન ભટકાઈ ગયું.
ગૌતમ ગંભીરએ કહ્યું, ‘મને ઘણી વાર પૂછવામાં આવ્યું કે જ્યારે હું ૯૭ રન પર હતો ત્યારે શું થયું. હું બધા યુવાનો અને બધા લોકોને કહું છું કે જ્યારે હું ૯૭ પર પહોંચ્યો એ પહેલા મેં મારા અંગત સ્કોર વિશે વિચાર્યું ન હતું પરંતુ શ્રીલંકા તરફથી મળેલા ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મને યાદ છે કે જ્યારે ઓવર પૂરી થઈ ત્યારે હું અને ધોની ક્રિઝ પર હતા. તેણે મને કહ્યું કે ૩ રન બાકી છે, આ ૩ રન બનાવો એટલે તમારી સદી પૂરી થઈ જશે.
ગંભીરનું માનવું છે કે ધોનીએ જે રીતે સદી વિશે જણાવ્યું એના કારણે તેનું ધ્યાન ભટકાઈ ગયું અને તેનું પરિણામ એ આવ્યું કે તેની વિકેટ પડી ગઈ. તેણે આગળ કહ્યું, ‘જ્યારે અચાનક તમારું મન અંગત પ્રદર્શન, વ્યક્તિગત સ્કોર પર જાય છે ત્યારે તમારો ઉત્સાહ વધે છે. આ ક્ષણ પહેલા મારું લક્ષ્ય શ્રીલંકાના સ્કોરને વટાવી જવાનું હતું. જો તે જ લક્ષ્ય મારા મગજમાં રહ્યું હોત તો હું આસાનાથી સદી ફટકારી શક્યો હોત.