નવી દિલ્હી,તા.૨૦
ગૌતમ ગંભીરએ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમની સારી રીતે કપ્તાની કરે છે કારણ કે તેની પાસે ટીમમાં રોહિત શર્મા અને એમએસ ધોની જેવા ખેલાડીઓ છે. ગંભીરએ ઉમેર્યું હતું કે, જ્યારે તમે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરો છો ત્યારે તમારી કેપ્ટનશીપની સાચી પરીક્ષા થાય છે. ગંભીરે કહ્યું કે, કોહલીએ વર્લ્ડ કપમાં કપ્તાન તરીકે સારો દેખાવ કર્યો હતો, પરંતુ તેને હજી ઘણું બધું શીખવાનું બાકી છે. ગંભીરે વધુ ઉમેરતા કહ્યું હતું કે, “જ્યારે પણ હું આ વિશે બોલું છું ત્યારે હું પ્રમાણિક રહ્યો છું. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે શું હાંસલ કર્યું છે તે જુઓ, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીએ શું મેળવ્યું છે તે જુઓ. જો તમે તેની સરખામણી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (કોહલીની ટીમ) સાથે કરો તો, પરિણામ બધાને જોવા મળે છે.”
ગંભીરે કહ્યું હતું કે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવું જોઈએ. તેના જેવા પ્રતિભાશાળી ખેલાડીને બેન્ચ પર બેસાડી રાખવો ખોટું છે. મને લાગે છે કે રાહુલને બહુ તક મળી ગઈ છે, હવે રોહિત પાસેથી ઓપનિંગ કરાવવાનો સમય આવી ગયો છે. જો તમે તેને પ્લેઈંગ ૧૧માં રમાડવાના ન હોવ તો તેને સ્ક્વોડમાં પસંદ કરવાનો કોઈ અર્થ નથી.