નવી દિલ્હી,તા.૬
બિહારમાં ગયાના સનસનાટીપૂર્ણ આદિત્ય સચદેવા રોડવેઝ કેસમાં જેડીયુના એમએલસી મનોરમા દેવીના પુત્ર રોકી યાદવને જિલ્લા અદાલતે આજે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે આ મામલામાં રોકીના પિતા બિંદી યાદવને પણ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત અન્ય બે દોષિતોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બિહાર જિલ્લા કોર્ટે રોકી યાદવને કઠોર સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવાના મામલામાં રોકી યાદવ દોષિત જાહેર કરાયો હતો. ૩૧મી ઓગસ્ટના દિવસે રોકીને આ કેસના સંદર્ભમાં ગયામાં સેશન કોર્ટ દ્વારા અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. રોકી યાદવે છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદ જગાવ્યો હતો. ૩૧મી ઓગસ્ટના દિવસે અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદથી જ આ મામલામાં કઠોર સજાને લઇને ચર્ચા ચાલી રહી હતી. ગયાના એડિશનલ જિલ્લા અને સેશન ન્યાયાધીશ સચિદાનંદ પ્રસાદસિંહે સજાની જાહેરાત કરી હતી. રોકીએ ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા આદિત્ય સચદેવાની હત્યા માત્ર એટલા માટે કરી દીધી હતી કે, આ વિદ્યાર્થીએ રોકીની કારને ઓવરટેક કરી હતી. આ મામલો ગયા વર્ષે મે મહિનામાં બન્યો હતો. ૭મી મેના દિવસે ઓવરટેકિંગને લઇને થયેલા વિવાદમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી આદિત્ય સચદેવાની ગોળીમારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે સચદેવા પોતાના મિત્રોની સાથે સ્વિફ્ટ કારથી પરત ફરી રહ્યો હતો. આ મામલામાં રોકીના પિતા બિંદી યાદવ અને તેના બોડીગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી. આદિત્ય સચદેવાની સાથે ગાડીમાં રહેલા મિત્ર આયુષે કહ્યું હતું કે, તેઓએ રોકીની કારને ઓવરટેક કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ બીજી તરફથી હવાઈ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. તેમાંથી એકે કમાન્ડોના ડ્રેસ પહેરેલા હતા. તેઓએ મારા મિત્રને માર મારીને ગોળીબાર કર્યો હતો જેમાં મિત્ર આદિત્ય સચદેવાનું મોત થયું હતું. બનાવને અંજામ આપ્યા બાદ રોકી યાદવ ફરાર થઇ ગયો હતો. પોલીસના સતત દબાણ બાદ રોકી યાદવે સ્થાનિક કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી. કોર્ટે તેને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો પરંતુ પટણા હાઈકોર્ટમાં તેને જામીન મળી ગયા હતા. ત્યારબાદ પટણા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારે પડકાર ફેંકીને મામલાને આગળ વધાર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જામીન પર પ્રતિબંધ મુકી દીધો હતો અને રોકી યાદવને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે ચાર્જશીટમાં રોકી યાદવ ઉપરાંત તેમના કઝીન ભાઈ ટેની યાદવ, પિતા બિંદી યાદવ અને એમએલસી બોડીગાર્ડ રાજેશ કુમારને આરોપી તરીકે બનાવ્યા હતા. રોકી યાદવે આદિત્ય સચદેવા ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગયા સ્થિત વેપારીના પુત્ર આદિત્ય સચદેવાની હત્યા કરવામાં આવ્યા બાદ બિહારની રાજનીતિમાં આ મુદ્દાને લઇને ગરમી જામી હતી. ગુનો કર્યા બાદ રોકી ફરાર થઇ ગયો હતો અને આ શખ્સે બોધગયામાં પિતાની ફેક્ટ્રીમાં આશરો લીધો હતો જ્યાંથી તેની ૪૮ કલાક બાદ ધરપકડ કરવામાં આવી હતા. તેના માતા-પિતાની પણ ધરપકડ કરાઈ હતી. કાયદાની જુદી જુદી કલમો લાગૂ કરવામાં આવી હતી. પોલીસે ગુનામાં એક મહિનામાં આરોપી લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.