(એજન્સી) જમ્મુ, તા.પ
જમ્મુમાં ૧૦ રોહિંગ્યા મુસ્લિમોને લાઈનમાં ઊભા રાખી લાકડી અને પટ્ટાથી માર મરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ મુજબ એક રોહિંગ્યા કિશોરે જણાવ્યું કે ૧૦મી સપ્ટેમ્બરના રોજ જમ્મુના સીમાંત વિસ્તારમાં આવેલી ચોકીમાં પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. કિશોરે જણાવ્યું કે પોલીસ વારંવાર ફકત એક જ સવાલ પૂછી રહી હતી કે ગાયની હત્યા કોણે કરી. તમને જણાવી દઈએ કે કેમ્પની પાસે એક અવાવરું જગ્યા પર ગાયનું હાડપિંજર મળી આવ્યું હતું. જેને પગલે બીજેપીના કાર્યકરોએ ગૌહત્યા વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા. જમ્મુના દક્ષિણી વિસ્તારના ચાની હિંમત ચોકીમાં બાળકોને ધવડાવનાર બે મહિલાઓ સાથે ૧ર રોહિંગ્યાઓને અગિયાર દિવસ સુધી કથિત રીતે જેલમાં ગોંધી રાખ્યા હતા અને એમની મારઝૂડ પણ કરવામાં આવી હતી. ન્યૂઝ ચેનલને ૧૬ વર્ષીય સૈયદ નૂરે જણાવ્યું કે ચોકીમાં બાળકો ચીંસો પાડી રહ્યા હતા જેમાં એક ફકત ચાર દિવસનું નવજાત બાળક હતું. સૈયદના કહેવા મુજબ પોલીસે એને આઠ દિવસ સુધી જેલમાં રાખ્યો હતો. ર૯ વર્ષીય હામિદહુસેને જેલવાસના બીજા દિવસને યાદ કરતાં જણાવ્યું કે અમે જોરશોરથી બૂમો પાડતા રહ્યા કે અમે આ કામ નથી કર્યું તેમ છતાં પોલીસ એમને ૧પ મિનિટ સુધી મારતી રહી જેલમાં લઈ જવાયેલા ત્રણ લોકો ઉપરાંત એમના પાડોશીઓએ પોલીસની નિર્દયતા વિશે જણાવ્યું હતું. હુસેને કહ્યું કે પોલીસે અમને જમીન ઉપર સૂવડાવીને અમારા પગ, હાથ અને પીઠ પર લાકડી અને પટ્ટાથી માર્યા. એમણે અમને ખૂબ જ હેરાન કર્યા. જેલમાં લઈ જવાયેલા લોકોએ જણાવ્યું કે, એમને ૯૬થી ર૬૪ કલાકના સમય દરમિયાન પોલીસે છોડયા અને કયારેય ન્યાયાલયમાં હાજર કર્યા નહીં. રોહિંગ્યાની ૩પ વર્ષીય હિન્દુ પાડોશણે જણાવ્યું કે પોલીસે રોહિંગ્યા સમુદાયના લોકો સાથે એમની પણ ધરપકડ કરી હતી પરંતુ પૂછપરછમાં જ્યારે તેણીએ પોતે હિન્દુ હોવાનું જણાવ્યું તો પોલીસે તેને છોડી મૂકી હતી. ચાની હિંમત વિસ્તારના પોલીસ અધિકારી સાજીદ મીરે કેટલાક લોકોને પૂછપરછ માટે લઈ જવાની પુષ્ટિ કરી હતી. જો કે, એમણે દાવો કર્યો છે કે, કોઈને પણ અટકાયતમાં લેવામાં આવ્યા નથી. સીઆરપીસી મુજબ પોલીસ કોઈપણ વ્યક્તિને ર૪ કલાકથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકતી નથી.