(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૭
એક તરફ દેશભરમાં ધર્મ અને જાતિના આધારે કથિત ગૌરક્ષકો દ્વારા મોબલિંચિંગ કરી નિર્દોષોનો ભોગ લેવાય છે. એવા સમયે જૂનાગઢ જિલ્લાના ચરગામના ૮૨-વર્ષના રહેમતખાનનું જીવન પ્રેરણા આપે છે. પરંપરાગત જ્ઞાન અને કોઠાસુઝથી રહેમતખાન માંદી ગાયોને પળવારમાં બેઠી કરી દે છે. તેમની આ સેવાના કારણે લોકોએ તેમને ‘ગોવાળ બાપા’ના હુલામણા નામથી ઓળખે છે જ્યારે એમડી સમકક્ષ ભણેલા પશુ ડૉક્ટરો હાથ હેઠાં મૂકી દે છે ત્યારે અભણ રેહમતખાનની સારવાર ગાયોને મોતના મૂખમાંથી પાછી સજીવન કરે છે. સૌરાષ્ટ્રભરના લોકો પાસે છેલ્લા વિકલ્પ તરીકે રેહમતખાનની સારવાર પદ્ધતિ ‘રામબાણ ઇલાજ’ સાબિત થાય છે. રેહમતખાન છેલ્લા ૬૫ વર્ષથી અબોલા જીવોની કોઠાસુઝ અને પરંપરાગત જ્ઞાનથી સારવાર કરે છે. ૨૦૦૨ના વર્ષમાં રેહમતખાનને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા તેમના આ જ્ઞાન અને સેવા બદલ તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ૫૧ હજારના ચેક સાથે રાષ્ટ્રીય પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ આજે આ રાષ્ટ્રીય પુરષ્કારથી સન્માનિત વ્યક્તિ ખુબજ દયનિય હાલતમાં જીવી રહ્યા છે. આવી વ્યક્તિ ને સહાય આપવાની તો દૂર રાષ્ટ્રીય તહેવારો બહાને પુરષ્કાર આપી સન્માનિત કરવાની પણ સરકારે તસ્દી લીધી નથી અને રહેમતખાનના પરંપરાગત જ્ઞાન અને પશુ સારવાર કરવા માટેની તેમની વિશેષ પદ્ધતિઓ માટે ૧૯૯૫માં ‘સૃષ્ટિ’ સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સૃષ્ટિ સંસ્થાના સ્થાપક અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (નિવૃત) પ્રો. અનિલ ગુપ્તાએ જણાવ્યું કે, રહેમતખાનનું પશુ સારવાર માટેનું જ્ઞાન અને સેવા કાબિલે દાદ છે. તેમની પાસે આટલું વિશાળ જ્ઞાન હોવા છતાંય તેમણે કદી એવું ન વિચાર્યું કે, હું આ કામ કરીને પૈસા કમાઇ લઉ. એટલા માટે જ, તેઓ આજેય પણ ગરીબ અને સામાન્ય જીવન જીવે છે. આ અનિલભાઈ ગુપ્તાએ જ રેહમતખાનને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી સન્માનિત કરાવ્યા હતા. પશુ સારવારમાં તેમની લોકચાહના અને ખ્યાતિ ઘણી છે. આજે રેહમતખાનની તબિયત સારી ન હોવાથી તેઓ મુસાફરી કરી શકે તેમ નથી એટલે આવનારા લોકોને રેહમતખાન ઘરે ખાટલામાં બેઠા-બેઠા પણ દેશી ઈલાજ બતાવે છે. રેહમતખાને જણાવ્યું હતું કે, “હું તો મુંગા પશુઓની સેવા કરવા જાંઉ છું લોકોને ઠીક લાગે ઇ આપે. બે ટંક મળી રહે એટલે બસ. મારે ખિસ્સા નથી ભરવા.”