(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
શહેરના ભટાર વિસ્તારના સોહમ સર્કલ પાસે પાલિકાના કન્ટેનર ચાલકે બે ગાયોને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક વાછરડાના પગના ભાગે ઇજા થઇ હતી. જ્યારે અન્ય એકનું ગંભીર ઇજા થવાના કારણે મોત થઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અલથાણ ગાર્ડન નજીકના સોહમ સર્કલ પાસે સુરત મહાનગરપાલિકાના કચરાના કન્ટેનર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડીને બેફામ ચલાવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તા પરથી પસાર થઇ રહેલી બે માસુમ વાછરડાંને ટક્કર મારી દીધી હતી. ટેન્ટેનર ગાડીની ટક્કરને પગલે એકના પગમાં ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજા વાછરડાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. સવારની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા. ગૌવંશને થયેલા અકસ્માતને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને ચાલક કન્ટેનર છોડીને ફરાર થવા જાત તે પૂર્વે જ ત્યાં ઉપસ્થિત ભરવાડ સહિતના લોકોએ તેની અટકાયત કરી પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.