(એજન્સી) ગાઝા, તા.૨૪
ભૂતકાળના વર્ષોમાં પરિવારો અને સંસ્થાઓ દ્વારા રમઝાન માસ દરમિયાન ગાઝાપટ્ટીને ફાનસ અને રોશનીથી જે રીતે શણગારવામાં આવતું હતું. આ વર્ષે તે તમામ શણગારથી ગાઝા શહેર વંચિત રહ્યું છે. ગ્રેટ માર્ચ ઓફ રિટર્ન શરૂ થવાને પગલે ઈઝરાયેલી દળો સાથેની અથડામણ દરમિયાન ૧૧૦ જેટલા પેલેસ્ટિની નાગરિકો શહીદ થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. જેને કારણે એક મહિનાથી પણ વધુ સમયથી ગાઝાના લોકો શોકમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જે ગાઝા શહેરમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન શેરીઓ અને મસ્જિદો શણગારેલી જોવા મળતી હતી. આજે તે તમામ શણગાર અદૃશ્ય થયેલો જોવા મળી રહ્યો છે અને તેની જગ્યાએ ત્યાં શહીદોની તસવીરો અને તેમના તૂટેલા સ્વપ્નાઓ જોવા મળી રહ્યા છે અને આ તમામ બાબતો માટે ઈઝરાયેલની ક્રૂરનીતિઓ જવાબદાર છે. જેને પગલે રમઝાનની પૂર્વ સંધ્યાએ પણ બજારો સૂમસામ જોવા મળ્યા. માત્ર ગણ્યાગાંઠ્યા દુકાનદારોએ જ જરૂરી ચીજ-વસ્તુઓના વેચાણ માટે પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી કે, જેથી પવિત્ર રમઝાન માસની તૈયારીઓ કરી શકાય. ઈઝરાયેલી કબજા હેઠળના ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટિનીઓ ઘરવિહોણા બની ગયા છે. આટલું જ નહીં ઈઝરાયેલની ક્રૂર અને દમનકારી નીતિઓને પગલે હજારો કર્મચારીઓને તેમનું વેતન આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે અને તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને તેમનું વેતન ૩૦થી પ૦ ટકા કાપીને આપવામાં આવી રહ્યું છે અને હજારો પેલેસ્ટિનીઓને નિવૃત્તિ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના વેપારીઓની દુકાનમાં માલ-સામાનનો જથ્થો પડી રહ્યો છે અને તેઓ પોતાની વેચાણ શક્તિ ગુમાવી રહ્યા છે. કારણ કે, ગાઝાપટ્ટીના નાગરિકો બજારમાં સામાનની ખરીદી કરવાથી ગભરાઈ રહ્યા છે.