નવી દિલ્હી, તા. ૧
ગુરુવારે આર્થિક મોરચે શ્રેણીબદ્ધ સમાચારો આવ્યા હતા. સવારે હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટને સંબોધતા વડાપ્રધાને જાહેર કર્યું હતું કે, તેઓ આર્થિક મોરચે જે પરિવર્તન માટેના સુધારો હાથ ધરી રહ્યા છે તે માટે રાજકીય કિંમત ચૂકવવા તૈયાર છે. દિવસ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે ઓપેક દેશો અને રશિયા જેવા તેના સાથી રાષ્ટ્રો માર્ચ ૨૦૧૮ બાદ બીજા નવ મહિના માટે પેટ્રોલિયમ ક્રૂડના ઉત્પાદનમાં કાપ મુકવા સંમત થયેલ છે. બીજી એક ઘટનામાં ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સેન્સેક્સ અને નિફટી બંને ગગડ્યા હતા.
માર્કેટ તૂટયું હતું કારણ કે રાજકોષીય ખાધ અંગેના સારા સમાચારો ન હતા. રાજકોષીય ખાધ ઓક્ટોબરના અંત સુધીમાં સમગ્ર વર્ષ માટે બજેટ લક્ષ્યાંકના ૯૬ ટકાને આંબી ગઈ હતી. ત્યારબાદ ત્રિમાસિક ગ્રોથના આંકડાઓ આવ્યા જે અગાઉના ક્વાટરમાં ૫.૭ ટકાની તુલનાએ વધીને ૬.૩ આંબી ગયો હતો.
ત્યારબાદ શાસક પક્ષ અને તેના સમર્થક મિડિયાએ તેને ‘અંશ સ્ટોપેબલ ઇન્ડિયા’ના પુરાવા તરીકે બિરદાવ્યા હતા અને મંદીની વાતો કરનારાઓને વખોડી કાઢવામાં આવ્યા હતા. હવે આપણે ઉપર દર્શાવેલ ઘટનાઓનું વિશ્લેષણ કરીએ.
વડાપ્રધાનના નિવેદનથી ઘણાને આશ્ચર્ય થયું હતું. જો આર્થિક મોરચે આટલા સારા સમાચાર હોય તો તેમણે રાજકીય કિંમત ચૂકવવાની વાત શા માટે કરવી જોઈએ ? શું તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવી વાત કરીને વ્યક્તિગત રીતે સહાનુભૂતિ મેળવવા માંગતા હતા ? આ મુદ્દો ખરેખર હજુ રહસ્યમય છે. ઓપેકનું વલણ ભારત માટે ગંભીર રીતે ચિંતાજનક છે. ક્રુડના ભાવોમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે અને પ્રતિ બેરલ ૬૦ ડોલરને વટાવી ગયો છે. અત્યારની આપણી તમામ સ્થિરતા ક્રુડના મધ્યમ ભાવોને કારણે છે. તેના કારણે રાજકોષીય ખાધ, ચાલુ ખાતાની ખાધ, ફુગાવો, રૂપિયાની મજબૂતાઈ અને સતત વધતા જતા શેરબજાર વગેરે તેને આભારી છે. આ બધું સરકારના પક્ષે કોઈ નીતિવિષયક પગલાને કારણે નિયંત્રણમાં નથી પરંતુ તેની કાબૂ બહારના પરિબળોને કારણે છે.
રાજકોષીય અને નાણાકીય મોરચે બાબત ઘણી ચિંતાજનક છે. જો તેનું કારણ વધુ પડતા ખર્ચાઓ હોય તો આપણે ખર્ચા પર કાપ મુકવો પડશે. ખાનગી રોકાણની સ્થિતિ નબળી છે. તે બાબત આર્થતંત્ર માટે સારા સમાચાર નથી. કરવેરાની આવકમાં ઘટાડા જેવા અન્ય પરિબળોને કરાણે તે જવાબદાર હોય તો આ બાબત ઘણી ચિંતાજનક છે.
બીજા ક્વાર્ટરમાં ગ્રોસ ફિકસ્ડ કેપિટલ ફોરમેશન (જીએફસીએફ) ૧.૩ ટકાના વધારા સાથે ૪.૭ ટકાએ પહોંચી ગયું છે તે વાતમાં કોઈ શંકા નથી પરંતુ વિશ્લેષકો જણાવે છે કે (જીએફસીએફ) જીડીપીની ટકાવારીની દૃષ્ટિએ વાસ્તવમાં ઘટ્યું છે. બેંક ક્રેડિટને લાગે વળગે છે ત્યાં સુધી કૃષિક્ષેત્ર અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ગત વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનાએ લોનમાં આ વર્ષના ઓક્ટોબર મહિનામાં માત્ર ૫.૫ ટકાનો વધારો થયો છે અને ઉદ્યોગને લોનમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો છે. આમ, પ્રગતિશીલ અર્થતંત્ર માટે આ સારા સમાચાર કહી શકાય નહીં.
હવે ૬.૩ ટકાના ગ્રોથ રેટના વિવિધ પાસાઓનું આપણે વિશ્લેષણ કરીએ. તેમાં કેન્દ્ર સ્થાને આ ક્વાર્ટરમાં ઉત્પાદન પ્રવૃૃત્તિ દ્વારા ઊંચી વૃદ્ધિ નોંધાઈ છે જે ૭ ટકા હતી. એ વાત અલગ છે કે ગત વર્ષના આ જ ક્વાર્ટર દરમિયાન ૭.૭ ટકા હતી. ગત ક્વાર્ટરમાં ૧.૨ ટકાથી તેમાં વધારો થયો છે એ વાતમાં શંકા નથી પરંતુ હરિષ દામોદરન અને સંદીપ સિંહે ધી ઈન્ડિયન એક્સપ્રેસના લેખમાં જણાવ્યું છે તેમ સેન્ટ્રલ સ્ટેસ્ટેસ્ટિકલ ઓફિસ દ્વારા સંચિત આઈઆઈપી ડેટા અનુસાર તે આ સમયગાળા દરમિયાન માત્ર ૨.૨ ટકા હતો.
આ બાબત આપણે જે રીતે જીડીપીની ગણતરી કરીએ છીએ તે અંગે ગંભીર પ્રશ્નો ઊઠાવે છે. તે ઉત્પાદનના આંકડાઓમાં ફેરફાર પર આધારિત નથી પરંતુ ઉત્પાદન સ્થિર રહે અથવા વાસ્તવમાં ઘટે તો મૂલ્યવર્ધિતના આંકડાઓમાં ફેરફાર પર આધારિત છે. એ ભલે ગમે તે હોય પરંતુ ત્રિમાસિક વૃદ્ધિ માત્ર ૬૦ પોઈન્ટ બેઝિસ જેટલો જ વધારો થયો છે.
જો આપણે ગરીબી નાબૂદ કરવાની અને તમામ માટે રોજગારની તકો ઊભી કરવાની આપણી પ્રતિબદ્ધતાનો અમલ કરવો હોય તો ભારતમાં ૮ થી ૧૦ ટકાના દરે વિકાસ થવો જરૂરી છે.