(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
સયાજી હોસ્પિટલના મુખ્ય દરવાજા આગળ માર્ગની એક બાજુએ આવેલી ગેબનશાહ બાવા (રે.અ.)ની દરગાહ ઉપર મનપાના તંત્રએ કટ્ટરવાદીઓના ઈશારે ડામર પાથરી દેવાની ઘટના અંગે મુસ્લિમ આગેવાનોએ આજે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી આ અત્યંત હીન કૃત્ય અંગે ઉગ્ર રજૂઆતો કરી દરગાહને પૂર્વવત કરવા માગણી કરી છે.
મુસ્લિમ અગ્રણીઓ, કોર્પોરેટર ફરીદ કટપીસવાલા સહિત, માઈનોરીટી ડિપા.ના ચેરમેન જુનેદ શેખ, પ્રદેશ માઈનોરીટીના ચેરમેન ચિરાગ શેખ, આઈ.ડી.પટેલ, પૂર્વ કોર્પોરેટર મંજુરખાન પઠાણ, એડવોકેટ અખ્તરહુસેન સૈયદ, આરીફ મલેક, જુનેદ શેખ, એડવોકેટ આઈ.એન. મકરાણી, ઈબ્રાહીમ શેખ સાયકલવાલા વિગેરેએ મ્યુનિ. કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગેબનશાહ બાવાની દરગાહ ગાયકવાડી રાજ વખતની પ્રાચિન દરગાહ છે. ર૦૦રમાં થયેલા કોમી રમખાણો વખતે અસામાજિક તત્ત્વો દ્વારા દરગાહને નુકસાન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક રસ્તાઓ ઉપર હિન્દુ-મુસ્લિમ ધાર્મિક સ્થળો આવેલા છે.
૧૮૮પની સાલમાં આ દરગાહનું લખાણ થયેલું છે. તેમજ મનપાના નકશામાં દરગાહ દર્શાવવામાં આવી છે. તથા વાર્ષિક ઉર્ષની ઉજવણી વેળા લેવામાં આવતી મંજૂરીના દસ્તાવેજો મ્યુનિ. કમિ. સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
અગાઉ ગેરકાયદે દબાણો તોડવા અનેક રજૂઆતો કર્યા છતાં દૂર કરવામાં આવ્યા નથી તેવી રજૂઆત ફરીદ કટપીસવાલાએ કરી જણાવ્યું હતું કે ર૦૦ વર્ષ જૂની દરગાહ ઉપર રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યું છે.
ગેબનશાહ બાવાની દરગાહ અંગે માજી કાઉન્સિલર ચિરાગ શેખે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા તેમજ આ દરગાહ હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં આસ્થાનું અનેરૂ સ્થાન ધરાવે છે તેવી રજૂઆત કરી હતી. આ દરગાહ ખુલ્લી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, ધરણા તેમજ દરગાહ પાસે ઉપવાસ પર બેસવામાં આવશે તેવી ચીમકી આપી હતી. અગ્રણીઓને સાંભળ્યા બાદ કમિશનરે આશ્વાસન આપતા જણાવ્યું હતું કે હુ સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરીશ તથા જે અધિકારીઓએ આ દરગાહ પર રોડ બનાવ્યો છે તેમની સામે પગલા ભરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવાનોએ પોલીસની એકતરફી ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી. પોલીસ ખાતાએ વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય એવી કામગીરી કરવાને બદલે પોલીસ બંદોબસ્ત આપી દરગાહ (કબર) ઉપર રોડ બનાવવામાં મદદ કરી છે. તેને ગંભીર બાબત ગણાવી હતી રવિવારના રોજ મનપાનો ડામર પ્લાન્ટ બંધ રહે છે. અધિકારીઓને રજા હોય છે. પ્રજા લક્ષી કામો રવિવારે થતા નથી તે દિવસે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને પોતે જઈ પ્લાન્ટ ચાલુ કરાવી અધિકારીઓ સાથે દરગાહ ઉપર કાર્પેટીંગ કરાવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે સત્તાધારી પક્ષ નિરાશ થઈ ગયેલ છે. ધાર્મિક લાગણી ઉશ્કેરી મત લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ધાર્મિક સ્થળ જે સ્થિતિમાં હતુ તે સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવા અમારી માગણી છે. તેમ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે.