અમદાવાદ,તા.ર૭
ગુજરાતમાં યોજાનારી રાજયસભાની ચૂંટણીમાં ૧૪ પાટીદાર યુાવનોના હત્યારા અને નિર્દોષ માતા-બહેનો પર અત્યાચાર કરાવનારા અમિત શાહ (જનરલ ડાયર)ને વોટ આપતા પહેલાં પાટીદાર ધારાસભ્યો પોતાના સમાજનું પ૦ વખત વિચારજો એવી પાટીદાર ધારાસભ્યોને હાકલ કરતા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે લખેલા ખુલ્લાપત્રમાં જણાવ્યું હતું. વધુમાં હાર્દિકે સોશ્યલ મીડિયા મારફતે પાટીદાર ધારાસભ્યોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય સમાજની લડાઈમાં કયાંકને કયાંક તમારી પાર્ટીને સમર્પિત રહ્યા છો પરંતુ આજે સમગ્ર પાટીદાર સમાજની અસ્મિતાનો સવાલ છે ત્યારે તમે જે કુળમાં જન્મ લીધો છે તે સમાજનું થોડું વિચારજો કોંગ્રેસના ધારાસભ્યને જાણવાનું કે તમે જો જનરલ ડાયરના ખોળે બેસવાના હોય તો તમારા પર પાટીદાર સમાજ ભરોસો નહીં કરી શકે અને તમે સૌથી મોટા સમાજ દ્રોહી કહેવાશો. જનરલ ડાયરે આપણા સમાજના મોભી એવા કેશુબાપા અને આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલને રાજકીય રીતે સમાપ્ત કર્યા છે અને હજુ પણ બધા નેતાઓ અને આગેવાનોનો વારો આવશે. અમે કોઈ કોંગ્રેસના સમર્થક નથી પરંતુ પાટીદાર સમાજના નવલોહિયા યુવાનોના હત્યારા અમિત શાહના છાતી ઠોકીને વિરોધી છીએ અને વિરોધ કરતા રહેશું. આ રાજયસભાની ચૂંટણીમાં તમારો મત ભૂલથી પણ કોઈ સમાજ દ્રોહીને ના આપતા એવી સમગ્ર પાટીદાર ધારાસભ્યને પાટીદાર સમાજ વતી વિનંતી છે.