રાજપીપળા, તા.ર૬
૧૯૫૬થી ૨૦૧૭ સુધી સૌરાષ્ટ્રના ભરવાડ, ચારણ, રબારી તથા મુસ્લિમોને એમના સંગઠનના દબાવમાં આવી ખોટી રીતે આદિવાસી બનાવાયા હોવા બાબતની ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્ર સરકારના મંત્રી જસવંતસિંહ ભાભોર અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગને પત્ર લખી જાણ કરી છે. જેમાં તેમણે ગેર આદિવાસીને આદિવાસીની સૂચીમાં સામેલ કરવા અને લાભો આપવા મામલે તાત્કાલિક અંકુશ લગાવવાની માંગ કરી છે.
મનસુખ વસાવાએ એમના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ આખી પ્રક્રિયા ખોટી, અસંવિધાનિક અને ગેર આદિવાસીઓને લાભ અપાવવાની કુચેસ્ટા છે. જેનાથી મૂળ આદિવાસીઓના અધિકારોનું હનન થઇ રહ્યું છે. પાછલા ૬૦ વર્ષથી ચાલી આવતી આ પ્રક્રિયા પર તાત્કાલિક અંકુશ લાવવો હિતાવહ છે. બાકી આવી સ્થિતિને કારણ આદિવાસીઓનો આક્રોશ અને વિરોધ વિસ્ફોટક સ્થિતિ પેદા કરશે. ખોટી રીતે જંગલોની બહાર રહેતા લોકોને પણ ખોટી રીતે પ્રમાણપત્ર આપી આદિવાસીઓની સૂચીમાં સામેલ કરાઈ રહ્યા છે. આના આધારે એમને સરકારી નોકરીઓ પણ પ્રથમ શ્રેણીથી નીચલી શ્રેણી સુધી મળી રહી છે. આદિવાસી કોટાનો દુરૂપયોગ કરી કેન્દ્રથી લઈને ગુજરાતની ભરતીમાં હજારો કથિત આદિવસીઓ નોકરી મેળવી રહ્યા છે. આ સ્થિતિથી ગુજરાતનો આદિવાસી સમાજ નારાજ છે, એમનામાં વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. જો આ સ્થિતિ પર અંકુશ ના મુકાયો તો બહારના લોકો આદિવાસી બનતા રહેશે અને મૂળ આદિવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે સાથે સાથે એમના અધિકારો પણ છીનવશે. એક ષડયંત્ર અને રણનીતિ અંતર્ગત ચાલતી આ પ્રક્રિયાથી આદિવાસીઓમાં ઘુસપેઠિયાઓનો વધારો થઇ રહ્યો છે. તો આવા લોકોને હટાવી એમના પ્રમાણપત્રો રદ કરવાની મારી માંગ છે.