બોડેલી, તા.૧
નસવાડી તાલુકાના છેવટ ગામે સ્ટેશન ફળિયાની પ્રાથમિક શાળાની શિક્ષિકા જાણ કર્યા વિના ગેરહાજર રહેતા ૩પ વિદ્યાર્થીઓ કુદરતના ભરોસે શાળામાં બેઠા હતા જ્યારે આ જ ગામની નદીના બીજા છેડે ટેકરા ફળિયે આવેલ શાળામાં આચાર્ય માત્ર ચાર બાળકોને ભણાવવા બેઠા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં દિન-પ્રતિદિન શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે ત્યારે શિક્ષકો પણ પોતાની ફરજ ભૂલી જાણે મનમાની કરતા હોય તેમ દેખાય છે. આજરોજ નસવાડી તાલુકાના છેવટ ગામે એક પ્રાથમિક શાળા સ્ટેશન ફળિયે અને બીજી શાળા નદીની બીજી બાજુ ટેકરા ફળિયે આવેલ છે જેમાં સ્ટેશન ફળિયાની પ્રાથમિક શાળાની શિક્ષિકા આચાર્યને રજાની કોઈપણ જાણ કર્યા વિના ગુલ્લી મારી હતી. જેને લઈ શાળાના ૩પ વિદ્યાર્થીઓ શિક્ષિકાની રાહ જોઈ વર્ગમાં બેસી રહ્યા હતા. જ્યારે શાળાથી માંડ ૧૦૦ ફૂટના અંતરે નદી આવેલ છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે ? જ્યારે નદીની બીજી બાજુ ટેકરા ફળિયે આવેલ શાળામાં આચાર્ય માત્ર ૪ બાળકોને લઈ બેઠા હતા અને આ શિક્ષિકા વિષે પૂછતા તેઓએ જણાવેલ કે શિક્ષિકા શાળામાં જ છે અને શિક્ષિકા આવેલ છે કે નહીં તે પણ આચાર્યને ખબર ન હોતી. શિક્ષિકા ન આવતાં આચાર્યએ ઢાંક-પીછોડા કર્યા હતા. જ્યારે ગ્રુપ આચાર્ય સાથે વાત થતાં જણાવેલ કે કસુરવાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે.