કોડિનાર, તા.૧ર
ગીર અભ્યારણ્ય આસપાસના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે ખનન કાર્યમાં જે તે સંબંધિત અધિકારીઓની ભાગીદારી હોવાની પણ લોક ચર્ચા થાય છે. રાત્રિના સમયે વન વિસ્તારમાં પ્રવેશ કરવો સામાન્ય માણસ માટે ભારે આકરૂ છે. ત્યારે ગીર વિસ્તારની આસપાસ થયેલા ખનન કામ પછી પથ્થરને પરિવહન કરવા માટેના ટ્રક તથા ટ્રેકટર વન વિસ્તારના નાક સમાન ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થાય છે. આ બાબતે વન વિસ્તારની ચેક પોસ્ટ ઉપર રખાયેલા સીસીટીવી કેમેરા ચેક કરવા પણ માગણી ઉઠી છે ત્યારે હાઈકોર્ટની ગાઈડ લાઈન મુજબ જે તે વિસ્તારમાં થતાં ગેરકાયદે ખનન અંગે જે તે વિસ્તારના જવાબદાર અધિકારીઓની જવાબદારી ફીટ કરવા તેમજ તેઓની આવક કરતા મિલકતની ચકાસણી કરાય તો અધધ…ધ… ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના છે. હાઈકોર્ટે પણ ગાઈડ લાઈન આપી હતી કે જે તે વિસ્તારમાં ચાલતી ખનિજ ચોરી અંગે જે તે વિસ્તારના સ્થાનિક અધિકારીની જવાબદારી નક્કી કરવી જોઈએ પણ આમ નહીં કરીને સરકારે પણ આડકતરી રીતે ખાણ માફીયાને છુટ્ટો દોર આપવા પ્રયાસ કર્યો છે. હદ તો ત્યારે થાય છે કે, ઘાંટવડ ગ્રામ પંચાયતે તેમના હદની સરકારી પડતર અને ગૌચરવાળી જમીન જે રાષ્ટ્રીય સંપત્તિ છે તેમાં ખાણ માફિયાઓ જગ-જાહેર લૂટી રહ્યા અંગે ખાણ-ખનિજ તંત્રને જાણ કરતા ખાણ-ખનિજના બાહોશ અધિકારી દ્વારા પગલા લેવાને બદલે ગામમાં અંદરોઅંદર ઝઘડા અને ખોટા વૈમનસ્ય ઊભા થાય તેવો જવાબ ગ્રામ પંચાયતને આપેલ કે, ગ્રામ પંચાયતની જમીનમાં ખનન ચાલતુ હોય તો તેને અટકાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે તો ખાણ-ખનિજ તંત્ર એ શું મંજીરા વગાડવાના આવો સવાલ લોકોમાંથી ઉઠ્યો છે ત્યારે કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામ અને તેને લગત વિસ્તારોમાં થતા બેફામ ખનિજ ચોરી અને રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ સામે તેમજ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટ નીતિ સામે આક્રોશ વ્યકત કરીને જનતા રેડ કરવા ચીમકી આપી છે ત્યારે બનાવ અંગે ઊભી થનારી પરિસ્થિતિની જવાબદારી પણ તંત્રની રહેશે તેવું જણાવ્યું છે.