(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
જેની એક ત્રાડથી જંગલમાં પશુ પક્ષીઓ ફફડાટના માર્યા ભાગદોડ કરી મુકે છે તે ગુજરાતનું ગૌરવ સમાન એશિયાટિક સિંહોની ત્રાડ સાંભળવા ગીર જંગલ તરસી રહ્યું છે. ગીર જંગલમાં હાલ સિંહોના એક પછી એક થતા મોતથી સિંહો ખુદ ગમગીન છે અને તેમનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યા છે. પરંતુ કાળામાથાનો માનવી પોતાના શોખ પોષવા કે ગેરકાયદે પ્રવૃત્તિ કરવા સિંહોના મોતનું નિમિત્ત બની રહ્યો છે. જંગલમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ અને લાકડાઓની ચોરીને વેગ આપવા વનતંત્ર લોકોને જંગલથી દૂર કરી રહી છે. આથી નેહડા (નેસ) દૂર થતાં સિંહોનું અસ્તિત્વ જોખમાયું છે.
સિંહોના સંરક્ષણ કરવા સંવર્ધન વધારવા ઈકોઝોન મુદ્દે લડત આપતા સામાજિક કાર્યકર પ્રવિણરામે સિંહોના મૃત્યુ બાબતે જે મુદ્દા ઉપસ્થિત કર્યા છે તે ખરેખર ચિંતાજનક છે. તેમણે જણાવ્યું કે ઈકોઝોનની લડત દરમ્યાન મે સરકાર અને વનતંત્રનું ધ્યાન દોર્યું હતું કે નેહડાને જંગલથી દૂર કરવા એ ગંભીર ભૂલ છે. સિંહને તાજા શિકારથી વંચિત કરી વનતંત્ર અને સરકારે સિંહને મરવા મજબૂર કર્યા છે. ઉપરાંત જંગલને સમયાંતરે સાફ ન કરવાથી સિંહ જંગલી પ્રાણીઓનો શિકાર કરી શકતો નથી. વનતંત્ર અને સરકારના આવા ખોટા નિર્ણયને કારણે સિંહ વાસી ખોરાક ખાવા મજબૂર બન્યા પરિણામે આવી બીમારીઓને આમંત્રણ મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે નેહડાને જંગલથી દૂર કરી સરકારે એક ભૂલ તો કરી પરંતુ હજી ઈકોઝોન નાખી સિંહને લોકોથી વધુ ૧૦ કિલોમીટર દૂર કરવાનો ભૂલભરેલો નિર્ણય કરી પગ પર કુહાડો માર્યો છે. પ્રવિણ રામની દલીલ છે કે સિંહને લોકો સાથે આત્મિયતાનો સંબંધ છે આથી લોકોને જેમ સિંહથી દૂર કરશો તેમ સિંહોનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. સિંહના સંવર્ધન પાછળ ત્યાંના સ્થાનિક લોકોની દેખભાળ જ કારણભૂત છે. સ્થાનિક લોકો સિંહને પોતાનો પરિવાર જ માને છે. નેહડા(નેસ) અને સિંહ એકબીજાના પર્યાય છે. આથી તેઓને દૂર કરશો તો બંને તરફ જોખમ વધશે.
પ્રવિણ રામે વનતંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જંગલમાં ચંદન સહિતના લાકડાની ચોરી ફુલીફાલી છે. ગેરકાયદે ધમધમતી ખાણોથી ખનીજચોરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ પ્રવત્તિને વેગ આપવા જ વનતંત્ર લોકોને જંગલથી દૂર કરી રહી છે. તેમણે એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે વનતંત્રના અધિકારીઓ માલધારીઓ પાસેથી નસવાડી પેટે નાણાં ઉઘરાવે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી. ત્યારે સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું હશે તો નેસડાઓને પુનઃ વસાવવા પડશે તો જ ગુજરાતના ગૌરવને આપણે સાચવી અને ટકાવી શકીશું.

સિંહના મોતની ગંભીરતા જોતા લંડનના નિષ્ણાંતોને બોલાવાશે

ગીર પૂર્વ વિસ્તાર વિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં દલખાનિયા રેન્જમાં તા.૧ર/૦૯ થી તા.૧૯/૯ સુધીમાં ૧૧ અને તા.ર૦/૯થી તા.ર-૧૦-૧૮ સુધીમાં કુલ ૧ર આમ એકંદરે ર૩ સિંહોના મૃત્યુ થયા હતા. આ ર૩ સિંહો પૈકી ૧૪ સિંહોના મૃત્યુ સારવાર દરમ્યાન થયા છે. એ જ વિસ્તારના સિંહોમાં મૃત્યુના પ્રમાણોને ધ્યાને લેતા ભારત સરકારની ટીમે તા.રર અને તા.ર૩ના રોજ મુલાકાત લીધી હતી અને ટીમે ગીર રક્ષિત વિસ્તારમાં અને નજીકમાં રહેતા તમામ માલઢોરનું રસીકરણ, ચોમાસાની સિઝનમાં સઘન પેટ્રોલિંગ, પશુચિકિત્સાની સુવિધાઓનું શુદ્ધિકરણ અને સિંહોની નિયમિત સ્ક્રીનીંગ અને ચકાસણીના સૂચનો કર્યા છે. તદ્‌ઉપરાંત Indian Veterinary Research Institute, Bareli, Delhi Zoo  ના કુલ દશ નિષ્ણાંતોની ટીમે તા.૩૦-૯ થી તા.ર-૧૦ સુધી ગીરના જસાધાર અને જામવાલા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ સ્થાનિક વેટરનરી ડૉકટર સાથે ચર્ચા વિચારણા અને વન વિભાગના ઉચ્ચ/ક્ષેત્રીય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સમય દરમ્યાન મૃત્યુ પામેલ સિંહોના પોસ્ટમોર્ટમનું સુપરવિઝન તેમજ સેમ્પલ લેવાની કામગીરી પણ કરી હતી. તદ ઉપરાંત ગીરની આજુબાજુના ૧૦૦થી વધુ ગામડાઓમાં પશુઓને રસીકરણ કરવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. દલખાણીયા રેન્જમાં બનવા પામેલ બનાવ બાબતે વધુ તપાસ માટે લંડન ઝુ અને રોયલ વેટરનરી કોલેજ લંડનના નિષ્ણાંતોનો સંપર્ક કરવામાં આવેલ તેમજ તેને સ્થળ મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવેલ છે.