(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સરથાણામાં અગ્નિકાંડ બાદ પગ તળે રેલો આવતા પાલિકાએ શહેરની મિલકતોમાં ગેરકાયદે બાંધવામાં આવેલા પતરાના શેડ, ડોમ સહિતનું બાંધકામ દૂર કરવાની શરૂ કરેલ ઝૂંબેશ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. મંગળવારે પુણા, કરંજ, ફૂલપાડા, ભેસ્તાન, પાંડેસરા, ઉધના, સ્ટેશન રોડ અને અડાજણ રાંદેર વિસ્તારમાં પાલિકાની ટીમોએ સ્કૂલોમાં, હોટલોમાં અને દુકાનોમાં થયેલા ગેરકાયેદસર બાંધકામો તોડવાની કામગીરી હાથ કરી છે.
સરથાણા તક્ષશિલાની સંહારલીલા બાદ ઊંઘમાંથી જાગેલી પાલીકાતંત્રએ આક્રમક પગલા લેવા માટે વિવિધ ટીમો બનાવી રવિવારથી જ ડિમોલિશન અને સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. તેમજ ફાયર વિભાગના સંકલન સાથે આજે ત્રીજા દિવસે વિવિધ આઠ ઝોનમાં ટીમો બનાવીને બાંધકામ પર ગેરકાયદેસર શેડ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. મંગળવારે રાંદેર ઝોન દ્વારા અડાજણ સરદાર કોમ્પલેક્ષ, આનંદમહેલ રોડ પ્રાઈમ આર્કેડની સામેની સીયુ ક્લાસીસ, પાલનપુર પાટીયા ખાતે આવેલી આઈ એન્ડ ટેકરવાલા સ્કૂલ,અડાજણની શીવાનંદ-વિવેકાનંદ, એલપી સવાણી સ્કૂલ, એલપી સવાણી રોડની રીવરડેલ એકેડમી અને જહાંગીરપુરા ગુરૂકૃપા સ્કૂલમાં ટેરેસ ઉપર બનાવેલા સ્ટ્રકચર એ ડોમ તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સેન્ટ્ર ઝોન દ્વારા રચના એકેડમી, હેન્ડલુમ હાઉસ, સુંદરમ પેલેસ, હોટેલ ફુડ પ્લાઝા, ગોલ્ડન પોઈન્ટ થયેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરાછા ઝોન-એમાં સમાવિષ્ટ કરંજની વર્ષા સોસાયટી, સંતોષીનગર સોસાયટી, મગોબ ડુંભાલની વ્રજ વિહાર સોસાયટી, ફૂલપાડાની રે઼ડ એન્ડ વાઈન સ્કૂલ, મોની સ્ટડી સેન્ટર, નવા ગામ અશ્વીની કુમારની જીજે.જડફિયા સ્કૂલ, ફૂલપાડાની મહેશ્વરી સોસાયટીમાં આવેલું ટ્યુશન કલાસિસ, કન્યા વિદ્યાલય, કરંજ ની ભગીરથ સોસાયટીમાં આવેલા મંગલમ વિદ્યાલય, સનરાઈઝ સ્કૂલ, પુણાની જ્ઞાનગંગા ગ્લોબલ સ્કૂલ, પુણાની અર્પણ વિદ્યાકુંજ સ્કૂલ, પ્રેરણા વિદ્યાલય અને સમર્પણ ટેકનો સ્કૂલમા પણ ડિમોલિશન કરવામાં આવ્યો હતો. તેમજ ઉધના ઝોન દ્વારા બમરોલી પિયુષ પોઈન્ટ વેદાસ ઈન્ટરનેશનલ સ્કૂલ, ઉધનાની બીએપી હિન્દી વિદ્યાલય, ઉધના અંબર કોલોનીમાં આવેલી સેસવ ઈગ્લિશ મિડીયમ સ્કૂલ, ભેસ્તાનમાં આવેલી આલ્ફા સ્કૂલ, સાંઈબાબા હિન્દી વિદ્યાલય, ઉધના આશાનગરમાં આવેલી રાજસ્થાન વિદ્યાલય અને શ્રેયસ વિદ્યાલયમાં ત્રીજા અને ચોથા માળ પર થયેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ફાયર સેફટીનો અભાવ જણાવી અનેક દુકાનો અને કોમ્પ્લેક્ષો પણ સીલ મારવામાં આવ્યા હતા. તમામ કામગીરી દરમિયાન પાલિકા દ્વારા લાખો રૂપિયાનું વહીવટી ચાર્જ વસુલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તમામ વિગતો મોડી સાંજે આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.