(એજન્સી) ભોપાલ, તા.ર૬
ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં અત્યારસુધી અનેક મંત્રીઓ અને નેતાઓ ગેરકાયદેસર કામો કરતાં ઝડપાયા છે. મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ૪ ભાજપ નેતાઓ વિસ્તારની આદિવાસી સગીરાઓના ગેરકાયદેસર રીતે લગ્ન કરાવતા ઝડપાયા છે. આ મામલે ટીકમગઢ જિલ્લાની સ્થાનિક કોર્ટે રાજ્યના પૂર્વીય મંત્રી હરિશંકર ખટીકની સાથે ૪ ભાજપ નેતાઓ પર બાળલગ્ન નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે આ તમામને સમન્સ પાઠવીને ૧ર ઓકટોબરના રોજ કોર્ટમાં રહેવા કહ્યું છે. હકીકતમાં આ કેસ પાંચ વર્ષ પહેલાંનો છે. આ નેતાઓ પર મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ સગીરાઓના લગ્ન પહેલાંથી જ લગ્ન થયેલા હોય તેવા શખ્સ સાથે કરાવવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વમંત્રી યાદવેન્દ્રની અરજી પર જ કોર્ટના ન્યાયિક દંડાધિકારી (પ્રથમ શ્રેણી) અમરસિંહ સિસોદિયાએ આ પાંચ લોકોને સમન્સ પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી અને ચાર સ્થાનિક ભાજપ નેતાઓ વિરૂદ્ધ ચાઈલ્ડ મેરેજ પ્રિવેન્શન એક્ટની ધારા ૧૦ અને ૧૧ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.