(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૮
ઈવાન્કા ટ્રમ્પના પુત્ર સાથેના ફોટો જોઈને આલોચકો ભડકયા છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ પોતાના સૈન્યને આદેશ આપ્યો હતો કે બોર્ડર ઉપરથી ગેરકાયદેસર ઘૂસી આવતા લોકો પાસેથી એમના બાળકોને લઈ લેવા. આ પ્રકારના આદેશથી પહેલાં જ લોકો નારાજ છે. વધુમાં ઈવાન્કાના પુત્ર સાથે રમતો ફોટો જોઈ વધુ નારાજ થયા છે અને એમની ઉપર ટીકાઓનો મારો ચલાવ્યો છે. આવા બાળકોને સરકારે બાળગૃહમાં રાખ્યા છે પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, ર૦૧૭ના છેલ્લા ત્રણ મહિનામાં ૧૪૭પ બાળકોના સ્પોન્સરોની ભાળ મળતી નથી. સોશિયલ મીડિયા ઉપર ઈવાન્કાને ટોણો મારતા લખ્યું તમને જણાઈ આવે છે કે બાળકો ક્યાં વધુ સુરક્ષિત હોય છે, ફકત તમારી પાસે, એ જ ઉત્તમ સ્થળ છે ખરું કે નહીં ઈવાન્કા ? જો કયારેય ઓલિમ્પિકમાં બહેરાઓની સ્પર્ધા થાય તો તમને અચૂક મેડલ મળશે જ કારણ કે તમને લોકોનો અવાજ સંભળાતો જ નથી. ઈવાન્કા, તમે ખુશનસીબ છો. તમે તમારા પુત્રને બાથમાં લીધો છે જ્યારે ૧પ૦૦ માતાઓ આ કરી શકી નથી કારણ કે તમારા પિતાએ એમની પાસેથી બાળકો છીનવી લીધા છે. આ વહીવટી તંત્રે બીમાર, વડીલો અને ગરીબોની અવગણના જ કરી છે. હવે એમણે ખરી રીતે ૧૪૭પ બાળકો ખોઈ નાંખ્યા છે. દેશ એની તાકાતથી નથી ઓળખાતું પણ એ દેશના સૌથી નબળા લોકો સાથે કેવી રીતે વર્તે છે એનાથી ઓળખાય છે. જો કે, ટ્રમ્પે પોતાની નીતિ બદલ ડેમોક્રેટસ ઉપર દોષ મૂકયો અને જણાવ્યું કે એમના ઘડેલ કાયદાની આ નીતિ છે પણ એવો કોઈ કાયદો અસ્તિત્વમાં જ નથી જેના દ્વારા આ પ્રકારની નીતિ ઘડવી અનિવાર્ય હોય.