મોસ્કો, તા. ૨૮
બુધવારના દિવસે વર્તમાન ચેમ્પિયન જર્મની માટે સૌથી નિરાશાજનક દિવસ રહ્યો હતો. કારણ કે ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ચાર વખતની ચેમ્પિયન ટીમ કજાન ખાતે રમાયેલી મેચમાં આશ્ચર્યજનક રીતે કિમ યંગ અને સોન મીન દ્વારા ઇન્જરી ટાઇમમાં કરવામાં આવેલા બે ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હારી ગઇ હતી. આની સાથે જ વર્લ્ડ કપમાં હજુ સુધીનો સૌથી મોટ અપસેટ સર્જાઇ ગયો હતો. જર્મન ચાહકો મેદાનમાં જ રડી પડ્યા હતા. જર્મનીમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. આ વખતે જર્મન ખેલાડી ફોર્મમાં દેખાઇ રહ્યા ન હતા. તેના ત્રણ મેચોમાં ત્રણ પોઇન્ટ રહ્યા હતા. તેની પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર થઇ હતી. ત્યારબાદ સ્વીડન સામે તેની જીત થઇ હતી. જો કે ગઇકાલે તેના કરતા ખુબ નબળી ગણાતી ટીમ દક્ષિણ કોરિયા સામે તેની હાર થઇ ગઇ હતી. છેલ્લા પાંચ વર્લ્ડ કપમાં ચોથી વખત આવુ બન્યુ છે જ્યારે વર્તમાન ચેમ્પિયન ટીમ બહાર થઇ છે. તે પહેલા ફ્રાન્સ, ઇટાલી, અને સ્પેનની ટીમ બહાર થઇ ગઇ હતી. કોરિયન ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. વર્ષ ૨૦૧૦ની સેમીફાઇનલમાં સ્પેનની સામે હાર થયા બાદ આ પ્રથમ વખત ઘટના બની હતી જ્યારે જર્મનીએ થોમસ મુલરને શરૂઆતી ઇલેવનમાં તક આપી ન હતી.

ઇતિહાસનું પુનરાવર્તન જારી

ઇતિહાસનુ ફરી એકવાર પુનરાવર્તન થઇ રહ્યુ છે. છેલ્લા પાંચ વર્લ્ડ કપ પૈકી ચાર વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં વર્તમાન ચેમ્પિયન ફેકાઇ જવાના બનાવ નીચે મુજબ રહ્યા છે.
દેશ વર્ષ
ફ્રાન્સ ૨૦૦૨
ઇટાલી ૨૦૧૦
સ્પેન ૨૦૧૪
જર્મની ૨૦૧૮