(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૬
મોડાસા ખાતે પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર સામે દસ વર્ષ પૂર્વે આઈ.એ. એસ. અધિકારીએ ખોટો કેસ કરી વતનથી દૂર બદલી કરી હતી. જે મામલે કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયેલા કર્મીની નિવૃત્તિ ટાણે તેની પડતર રજાઓના રૂા.૪ લાખ ન ચૂકવતાં આ મામલે હાઈકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લીકેશન દાખલ કરી છે. આ નાણાં મળતા તેઓએ હજ પઢવા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સમગ્ર કેસની વિગત એવી છે કે અ.હબીબખાન લતીફખાન મિસ્ત્રી અરવલ્લીના મોડાસા ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એસ.કે. એમ.ના ચાર્જમાં રહેલા આઈ.એ.એસ. અધિકારી જે. રણજીતકુમાર સાંજે ગોડાઉનમાં ઓચિંતી તપાસણી કરવા આવ્યા હતા ત્યારે ૩ વેપારીએ જથ્થો લઈ જવાનો બાકી હતો. તે રૂા.૯૮,૬૩૧નો માલ ડેપો મેેનેજરે વેચવા રાખ્યો હોવાનો આરોપ લગાવી પોલીસ કેસ કર્યો હતો. જેના પગલે નિવૃત્તિવય નજીક પહોંચેલ કર્મચારીને વતનથી દૂર છેક ભરૂચ જિલ્લામાં બદલી કરી હતી. તેમજ નિયમ મુજબ પ્રમોશન આપેલ નહીં. આમ, સરકારી કર્મીનું સંસારિક જીવન પ્રભાવિત થયું હતું.
દરમ્યાન આ કેસ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ મોડાસાની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદીએ કરેલ કાર્યવાહીને શંકાસ્પદ ગણાવી મોડી ફરિયાદનું કારણ શું ! સરકાર પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડેલ છે. તેવા તારણ ઉપર પહોંચેલી કોર્ટે અ.હબીબખાન લતીફભાઈ મિસ્ત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
દરમ્યાન ગોડાઉન મેનેજર અ.હબીબખાન મિસ્ત્રી નિવૃત્ત થતા તેઓની પડતર રજાઓના રૂા. ચાર લાખ ગુ.રા.પુ. નિગમે રોકી રાખતાં, પોતાના હકકના નાણાં મેળવવા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લીકેશન રીટ દાખલ કરી છે.
આ નાણાં ન મળતા તેઓ પોતાની ધાર્મિક ફરજ હજ અદા કરી શક્યા નથી. તેમજ સમાજમાં પણ ખોટી બદનામી થયેલ છે. આમ મુસ્લિમ કર્મચારીને હેરાન કર્યા હોવાનો આક્ષેપ હબીબખાન મિસ્ત્રીએ કર્યો છે હવે નિગમ તેમની પડતર રજાઓનો પગાર સત્વરે ચૂકવે તેવી લાગણી વ્યક્ત કરી છે.