(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
કેન્દ્ર સરકારે ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવાની યોજના હોંશે-હોંશે શરૂ કરી હતી પણ તેમાં ત્રણ વર્ષમાં કોઇ પ્રગતિ જોવા મળી નથી. સ્માર્ટ શહેરો માટે ફાળવાયેલી રકમમાંથી ફક્ત ૧.૮૩ ટકા રકમનો જ ઉપયોગ થયો છે. લોકસભાની શહેરી વિકાસ સંબંધિત સ્થાયી સમિતિએ આ મામલે નારાજગી વ્યક્ત કરતા મંત્રાલયના આશય સામે સવાલ ઉભા કર્યા છે. સમિતિએ કહ્યું છે કે, મંત્રાલય આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે ગંભીર નથી.
પિનાકી મિશ્રાની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ મિશન મોડમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટનું આકલન કર્યું હતું. આમાં સમિતિએ જોયું હતું કે, બજેટનો ઘણો ઓછો ભાગ ખર્ચ થયો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ફાળવાયેલા ૯૯૪૩.૨૨ કરોડ રૂપિયામાંથી ફક્ત ૧૮૨.૬૨ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. મંત્રાલયે સમિતિને જણાવ્યું હતું કે, ફાળવાયેલા નાણાં તથા ખર્ચ સામાન્ય પ્રક્રિયા છે. આ મિશનના લક્ષ્યાંક તથા ઇરાદાને શરૂ કરવાની પ્રગતિનુંં યોગ્ય માપદંડ નથી. સમિતિએ કહ્યું કે, ફાળવાયેલા ખર્ચને પેરામીટર નહીં માનવાનો દાવો કરનારા મંત્રાલય એવો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યું છે કે, પેરામીટર શું હોઇ શકે છે. સમિતિએ શોધ્યું છે કે, અન્ય યોજનાઓની હાલત પણ એવી જ છે. અમૃત મિશન પર ફાળવણીના ૨૮.૭૪ ટકા જ નાણાં ખર્ચ થયા છે. વડાપ્રધાન આવાસ યોજના પર ૨૦.૭૮ ટકા, સ્વચ્છ ભારત મિશન પર ૩૦.૦૧ ટકા જ રકમ ખર્ચ થઇ છે.